October 13, 2024

UPની જેમ હવે મધ્યપ્રદેશમાં પણ દુકાનો પર લખવા પડશે નામ અને નંબર, નહીંતર…

ભોપાલ: ઉત્તર પ્રદેશ બાદ હવે ઉજ્જૈનમાં પણ દુકાનદારોએ તેમના નામ અને મોબાઈલ નંબર તેમની સંસ્થાની બહાર લખવા પડશે. ઉજ્જૈનના મેયર મુકેશ તટવાલના જણાવ્યા અનુસાર, જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેમને દંડ ભરવો પડશે. ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને શનિવારે દુકાનદારોને તેમની સંસ્થાઓની બહાર નામ અને મોબાઈલ નંબર પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશની ભાજપની આગેવાનીવાળી સરકારે કાવડ યાત્રા રૂટ પર સ્થિત ભોજનાલયો માટે સમાન આદેશ જારી કર્યા પછી આ નિર્દેશ આવ્યો છે.

ઉજ્જૈનના મેયર મુકેશ તટવાલે કહ્યું કે ઉલ્લંઘન કરનારાઓને પ્રથમ ગુના માટે રૂ. 2,000 અને બીજા ગુના માટે રૂ. 5,000નો દંડ ભરવો પડશે. મેયરે કહ્યું કે આ આદેશનો હેતુ સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે અને મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવાનો નથી.

આ પણ વાંચો: કાવડ વિવાદ પર CM યોગીની વ્હારે બાબા રામદેવ, કહ્યું – રહેમાનને ઓળખ જણાવવામાં શું સમસ્યા?

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું વતન ઉજ્જૈન તેના પવિત્ર મહાકાલ મંદિર માટે જાણીતું છે. જ્યાં શ્રાવાણ મહિના દરમિયાન વિશ્વભરના ભક્તો આવે છે. તટવાલે જણાવ્યું હતું કે ઉજ્જૈનની ‘મેયર-ઇન-કાઉન્સિલ’એ 26 સપ્ટેમ્બર, 2002ના રોજ દુકાનદારોના નામ પ્રદર્શિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ત્યારબાદ કોર્પોરેશન હાઉસે તેને રાજ્ય સરકારને વાંધા અને ઔપચારિકતા માટે મોકલ્યો હતો. તેમણે કહ્યું કે આ અંગેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.