December 10, 2024

બાંગ્લાદેશમાં ISKCONને મોટી રાહત, હાઈકોર્ટે પ્રતિબંધ લગાવવાથી કર્યો ઈન્કાર

Bangladesh: બાંગ્લાદેશમાં ઈસ્કોનને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો છે, કોર્ટે કહ્યું છે કે તે વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી સંતુષ્ટ છે. તેથી હાલમાં આ બાબતે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરૂર નથી. બાંગ્લાદેશમાં બુધવારે સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની બેંચ સમક્ષ અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે ચટગાંવ અને રંગપુરમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ અપીલ કરી હતી.

વચગાળાની સરકારે કોર્ટમાં શું કહ્યું?
સુનાવણીની શરૂઆતમાં એટર્ની જનરલ વતી ડેપ્યુટી એટર્ની જનરલ અસદુદ્દીને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટને માહિતી આપી હતી. તેમણે કોર્ટને કહ્યું કે આ ઘટના પર સરકારનું વલણ કડક છે. આ અંગે અત્યાર સુધીમાં ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં એક કેસમાં 13 લોકોને, એકમાં 14 લોકોને અને અન્યમાં 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી દ્વારા વધુ 6 લોકોની ઓળખ કરવામાં આવી છે. સરકારે કોર્ટમાં કહ્યું છે કે પોલીસ સક્રિય છે, આરોપીની પૂછપરછ કર્યા બાદ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતને મોટી સફળતા, બેંગલુરુમાં આતંકી ષડ્યંત્ર રચનારા આરોપીને રવાંડાથી ભારત લવાયો

ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ પર ન્યાયાધીશોએ કહ્યું કે સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહી છે અમે સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ અને અમને રાજ્યની જવાબદારીમાં વિશ્વાસ છે. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે ‘આપણા દેશમાં તમામ ધર્મના લોકો ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે, પરસ્પર સન્માન અને પ્રેમ ક્યારેય ગુમાવશે નહીં. તેથી અરજદારે ચિંતા કરવાની જરૂર નથી.