November 23, 2024

CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ, જાણો તેમની વિશેષ ઉપલબ્ધિઓ

અમદાવાદઃ ગુજરાત બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતની આ વિકાસગાથાને વેગ આપવાનો શ્રેય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને તેમના સુશાસનને ફાળે જાય છે.

સુશાસનનાં ત્રણ વર્ષમાં તેમના કાર્યકાળ દરમિયાન અનેક જનહિતની પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાંથી મુખ્ય ત્રણ પોલિસી ગુજરાત આત્મનિર્ભર પોલિસી, ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી અને ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી કહી શકાય. આ ઉપરાંત અન્ય સહિત 11 મહત્ત્વની પોલિસી જાહેર કરીને તેમણએ રાજ્યના વિકાસ માટેનો માર્ગ કંડારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ 5Gનો સમાવેશ કરતું 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ પણ લાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, વનબંધુ કલ્યાણ યોજના તેમજ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો સારી રીતે અમલ કરવામાં આવ્યો છે.

રાજ્યના યુવાનોનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેઓ નવી સ્કિલ્સ શીખીને સ્ટાર્ટ-અપ્સ શરૂ કરે એના માટે એક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. આ જ કારણે ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લાં ચાર વર્ષથી સતત દેશમાં પ્રથમ સ્થાને છે.

ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન 58.8 લાખ ખેડૂત કુટુંબોનાં ખાતામાં 11,058 કરોડ જમા કરાવ્યા છે. ત્યારબાદ રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ સિવાય 12.78 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને 1926 કરોડની સહાય કરવામાં આવી છે.

રાજ્ય સરકાર સ્ત્રી સશક્તિકરણ પર પણ વિશેષ ભાર મૂકી રહી છે. 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓને આવરી લેવામાં આવી હતી. નમો ડ્રોન દીદી યોજનાનો પણ ગુજરાતની મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સ્વસ્થતાથી સમૃદ્ધિનો મંત્ર અપનાવ્યો છે. રાજ્યના 2.6 કરોડથી વધુ લોકો આયુષ્માન કાર્ડ ધરાવે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં નવ નવી મેડિકલ કોલેજો શરૂ થઈ છે. રાજ્યમાં શિક્ષણ અને જાહેર પરિવહનના ક્ષેત્રે સુધારો કરવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થઈ રહ્યું છે.

ગુજરાતમાં અપરાધીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અપરાધીઓ માટે કોઈ સ્થાન નથી. રાષ્ટ્રહિત અને રાષ્ટ્રની સુરક્ષાને સર્વોપરી માની દેવભૂમિ દ્વારકા અને કંડલામાં બુલડોઝર પણ ચલાવવામાં આવ્યાં છે તો ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિના અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરી ભ્રષ્ટાચારી બાબુઓને ઘરભેગા કરી દીધા છે. શાંતિ, સલામતી અને સુખાકારીમાં અગ્રેસર ગુજરાત પ્રગતિ પથ પર આગળ વધી રહ્યું છે.