ભાવનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 310 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ભાવનગરઃ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 310.05 કરોડના 30 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ અલંગમાં શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયશન દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. જેમાં ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમથી ગુજરાત હાઉસિંગ બોર્ડના તરસમિયા શેત્રુંજય રેસિડેન્સીના 1472 આવાસોના લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્તમાન નગર, આદર્શ નગરના 420 રિડેવલપમેન્ટ થયેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગર હસ્તકના ભાવનગર શહેરના 264 એલઆઈજી વર્ધમાન નગર અને 156 એલઆઈજી આદર્શ નગર ભાવનગરનું રિડડેવલપમેન્ટ રૂપિયા 31.73 કરોડના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરના તરસમિયા ખાતે ફેઝ પાંચ પેકેજ નંબર 31 અંતર્ગત 896 ઈ ડબલ્યુ એસ-1 + 576 ઈ.ડબલ્યુ.એસ-2 પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળના મકાનોનું લોકાર્પણ, ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના બે ફાયર ફાઈટર વાહનોનું લોકાર્પણ, અમૃત 2.0 યોજના હેઠળ 12 ઈ.એસ.આર. એલ.ઇ.ડી. સાઇનબોર્ડ ફીટ કરવાની કામગીરીનું તેમજ નવું પીએસઆરને કલર કામ આરસીસી રોડ પેવર બ્લોક ફિટિંગ તથા ઇએસઆર અને ફિલ્ટર પીમાઈસીસની અંદર ગાર્ડન સહિતનું બ્યુટીફિકેશનનું, અમૃત 2.0 યોજના હેઠળ કંસારા નદીના કાંઠામાં ત્રણ વર્ષની ડિફેક્ટ લાઇબ્રેટરી પિરિયડ સાથે ડ્રેનેજ નેટવર્ક,સીદસર ટીપી વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હૂત, માર્ગ અને મકાન વિભાગના કામો સહિત કુલ 30 પ્રકલ્પોનું રૂ. 310.05 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અલંગમાં શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.