October 7, 2024

ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું, પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ

ભરૂચઃ ગુજરાત માથે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા 14 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. તેમજ નદી-નાળાં છલોછલ થયાં હતાં. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી જતા લોકો ઘરમાં જ કેદ થયા હતા.

તો બીજી તરફ પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. હાલ પૂર્ણા નદી એની ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી સ્થિતિ વધુ વણસવાની પૂરી શક્યતા છે.

વાલીયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર લઇ જવાનો પ્રયાસ કરનારા બે કારચાલક ફસાયા હતા. ત્યારે ટ્રેક્ટરની મદદથી તણાઈ જતી કારને બચાવી લેવામાં આવી છે. ભરૂચના વાલિયા પંથકમાં 16 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ડહેલી ગામે અનેક ફળિયામાં પાણી પાણી થઈ ગયું છે. સ્મશાન પર જવાના માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે. કાછી ફળિયામાં 70 લોકો ફસાયાં છે.

ભરૂચના કસક સર્કલ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. કસક સર્કલ ગટર નજીક પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે. પાણી ભરાવવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી છે. તો શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા સોસાયટીના રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે. મંગલમ સોસાયટી, નારાયણ સૃષ્ટિ, દત્ત નગર સોસાયટીમાં પાણી ભરાયા છે. તો મનોરથ સોસાયટીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેસીબી મશીનની મદદથી તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.