October 7, 2024

ભરૂચની અમરાવતી ખાડીમાં અચાનક પાણી વધ્યું, યુવાન જીવ બચાવવા ઝાડ પર ચડ્યો!

ભરૂચઃ જિલ્લામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી નાંખી છે. ત્યારે વહેલી સવારથી અનેક તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે નેત્રંગમાં જિંદગી બચાવવાની જહેમતના દ્રશ્યો સામે આવ્યાં છે.

ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદ બાદ અમરાવતી ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું છે. આ જળસ્તરમાં એકાએક વધારો થતા એક યુવાન જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયો હતો. ત્યારે આ મામલે તંત્રને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને યુવાનનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ઉમરપાડામાં આભ ફાટ્યું
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ પેદા થઈ છે. ઉમરપાડામાં ચાર કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને પગલે નદી-નાળા ઓવરફ્લો થઈ ગયા છે. ઉમરપાડા અને માંડવી તાલુકાને જોડતા 16 રસ્તા બંધ થઈ ગયા છે. બે ગામને જોડતા રસ્તા અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે ઉમરપાડા અને માંડવી તાલુકાના 22 ગામ અસરગ્રસ્ત થયા છે. ઉમરપાડાના 10 અને માંડવીના 6 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે કેટલાક ગામો સંપર્કવિહોણા થયા છે.