December 5, 2024

નવી સુવિધાઓ સાથે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ચાલુ તો થઈ પરંતુ સ્ટેશનો હજુ બેહાલ

જીગર નાયક, નવસારી: ભારતીય રેલમાં મુસાફરોને સલામતી સાથે વધુ સેવા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આદિવાસી વિસ્તારની પ્રજા માટે આશીર્વાદરૂપ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ અને AC કોચ સાથે ચાલુ કરવામાં આવી છે. પરંતુ સ્ટેશનની જાળવણી આજ દિવસ સુધી થઈ નથી.

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ચાલુ કરાવવા અનેક પક્ષના નેતાઓ મેદાને પડી ગાડી પુનઃ શરૂ કરવા તેમજ પ્રસિદ્ધિ મેળવવાની કોઈ કચાશ પણ બાકી રાખી નહતી. બીલીમોરાથી વઘઇ સુધી આવેલા ઉનાઈ, કેવડીરોડ, ધોળીકૂવા, રાનકૂવા સહિતના રેલવે સ્ટેશનો પર શૌચાલય તેમજ પીવાના પાણીનો અભાવ તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. બીલીમોરાથી ડાંગ જિલ્લા સુધી પ્રવાસ કરતા મુસાફરોને સ્ટેશન ઉપર કોઈ સુવિધા ન મળતાં પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . દિવાળી સમયે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આ ટ્રેન નો ઉપયોગ પ્રજાની મજા માણવા માટે કરતા હોય છે સાથે જ પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે માતાજીના દર્શન કરવા માટે પણ લોકો આ ટ્રેનનો ઉપયોગ કરે છે પરંતુ સ્ટેશન ઉપર અસુવિદાના કારણે અનેક મુસાફરો હાલાકી વેટવાનો વારો આવ્યો છે

હાલની સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા તેમજ શૌચાલયની અનેક યોજના લાવી હોય એવાં સરકારી રેલવે સ્ટેશનો પર શૌચાલયની અસુવિધા સરકારની પોલ ખોલી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે. આ રેલવે સ્ટેશનો જેવા જાહેર સ્થળ પર શૌચાલય ખંડેર થઈ ગયા હોય તો અનેક સ્ટેશન પર શૌચાલયની સુવિધા જ ઉપલબ્ધ નથી જેથી આમ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. રેલવે વિભાગની નિરસતાને પરિણામે ગરીબ આદિવાસીઓની જીવાદોરી સમાન બીલીમોરા-વઘઇ રેલવે લાઈન મરણ પથારીએ છે.

થોડા સમય માટે તો આ ટ્રેન બંધ પણ થઈ ગઈ હતી અને ત્યારબાદ ચાલુ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય વાત તો એ છે કે આ રેલવે લાઇનનો ઉપયોગ ખેડૂતો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. જિલ્લાના ચીખલી, વાંસદા તાલુકામાં આવેલ રેલવે સ્ટેશનને છેલ્લાં કેટલાંય વર્ષોમાં સુવિધાને નામે માત્ર મીંડું મળ્યું છે.અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઉનાઈ, કેવડી રોડ, ધોળીકૂવા સહિત કેટલાક રેલવે સ્ટેશનમાં એકપણ એવી સુવિધા નથી કે તેને રેલવે સ્ટેશન ગણી શકાય. આ અંગે રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા પશ્ચિમ રેલવેના ડીઆરએમને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ રેલવે સ્ટેશન બનાવવાની દીશામાં કોઈ કામગીરી કરવામાં નથી આવી

વડાપ્રધાનના શૌચાલયોના અભિયાન હજી આ રેલવેના અધિકારીઓ સુધી પહોંચ્યું જ નથી એની પ્રતીતિ વર્ષોથી ખંડેર થઈ ગયેલા આ શૌચાલયો કરાવી રહ્યા છે. લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવે છે.આદિવસી વિસ્તારની પ્રજા સુવિધાના અભાવે વર્ષોથી અગવડતાનો સામનો કરી રહી છે ત્યારે પ્રજાની સમસ્યાનો અંત જનપ્રતિનિધિઓ લાવે તે જરૂરી છે. આ ટ્રેન પાછી ચાલુ થઈ ત્યારે જેટલો ઉત્સાહ દેખાડ્યો એટલો જ ઉત્સાહ જનપ્રતિનિધિઓ રેલવે સ્ટેશનની સુધારણા માટે દેખાડવાની જરૂર છે.