November 8, 2024

‘પ્રેમ સંબંધ બન્યો બાળક માટે કાળ’: સગી માતાએ જ બાળકને મોતને ઘાટ ઉતાર્યો

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલીના બાબરા તાલુકાના વાવડા ગામમાં એક હ્રદય કંપાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં એક માતાએ પોતાના જ દોઢ મહિનાના બાળકને મોતના ઘાટ ઉતારી દીધું છે. ચોંકાવનારી બાબાત એ છે કે, પ્રેમસંબંધને કારણે એક બાળકનો ભોગ લેવાયો છે. માતાએ કરેલી આ ક્રૂરતાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

દાહોદ જિલ્લાના મૂળ રહેવાસી મનીષાબેન બામણીયાએ પ્રેમ સંબંધની વળગણમાં આવીને પોતાના દોઢ માસના માસૂમ બાળકને પાણીની ટાંકીમાં ડુબાડી હત્યા કરી નાંખી છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કારણે આ હૃદયવિદારક કૃત્ય કરાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ હત્યાના ઘટનાક્રમ મુજબ, મનીષાબેનના દોઢ માસના બાળકની લાશ પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

પોલીસે વધુ તપાસ કરતા મનીષાબેનના પ્રેમ સંબંધ અને તેના કારણે પતિ સાથે થયેલા ઝઘડાને કારણે, તેણે આ કૃત્યને અંજામ આપ્યો હતો. પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા અને સામાજિક મર્યાદાઓ પ્રમાણે બીજા લગ્ન કરવા માટે બાળક ન હોવું જોઈએ કે મર્યાદા કારણે માતાએ પોતાના જ બાળકને કાંટો સમજીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે આ અત્યંત નિર્દયી ઘટના બની છે.આ બાબતની જાણ થતા, સ્થાનિક પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. માતા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધી, કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

આ નિર્દોષ બાળકના મોતે, આ ગામ સહિત સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાવી છે, પણ સાથે જ આ ઘટના ઘણી મોટી બાબતો તરફ આંગળી કરે છે. શું માતા-પિતા માટે પ્રેમ સંબંધો આટલા મહત્ત્વના બની ગયા છે કે, નિર્દોષ બાળકોની બલિ લેવામાં આવી રહી છે?”