December 12, 2024

BJP નેતા કુલદીપસિંહ રાઉલજીએ પાંચ કર્મીઓને 4 કલાક ગોંધી રાખી જાનથી મારવાની ધમકી આપી

વડોદરાઃ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીને ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે. ઓફિસમાં ગોંધીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 60 લાખ રૂપિયાનો હિસાબ ન મળતા ધમકી આપી હતી. ડેસર સાવલી માર્ગ પર કુલદીપસિંહનો CNG પંપ છે. ત્યારે સ્ટેમ્પ પેપર પર ઉચાપત કરી હોવાનું લખાણ લખાવ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

વડોદરા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાંખવાનો ગુનો નોંધાયો છે. ડેસર-સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાઉલજીનો CNG પેટ્રોલ પંપ આવેલો છે. આ વિશ્વા પેટ્રોલ પંપ ઉપર હિસાબમાં ગોટાળા થયા હતા. ત્યારે રૂપિયા 60 લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર ઓફિસમાં ચાર કલાક ગોંધી રાખીને કુલદીપસિંહ રાઉલજી દ્વારા જબરજસ્તી કબૂલાત કરાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર ‘અમે પૈસાની ઉચાપત કરી છે’ તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માગણી કરી હતી અને જો 60 લાખ રૂપિયા નહીં આપે તો ‘તારા બાપાને કહેજે તારે જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે’ તેવી પણ ધમકી આપી હતી. આ વાત કોઈને પણ કહેશો તો પાંચેયને જાનથી મારી નાંખીશ તેવું કહ્યું હતું.

આ અંગે પેટ્રોલ પંપના મેનેજરે મોબાઈલમાં ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું છે. જેમાં કુલદીપસિંહ સતત ગાળો અને ધમકી આપતા સાંભળવા મળ્યા છે. ગભરાઈ ગયેલા પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત વિધાનસભાની ચૂંટણી સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસના બેનર ઉપર કુલદીપસિંહ રાઉલજી લડ્યા હતા અને ચૂંટણી હારી જતા પુન:ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાઉલજીને ભાજપે ડભોઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો.