September 11, 2024

બનાસકાંઠામાં BJP નેતાનો છેતરવાનો પ્રયાસ, કહ્યું – 5 કરોડનો બંગલો PM ગિફ્ટ આપવાના છે!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખને પીએમ દ્વારા પાંચ કરોડનો બંગલો આપવાનું કહીને ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમ દ્વારા બીજેપીના 100 સિનિયર વ્યક્તિને ગિફ્ટ આપવાના છે, તેમ કહી અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કુમુદ જોશીનું આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ માગ્યા હતા. જો કે, આ ગઠીયાએ પીએમઓના મુખ્ય સચિવ તરીકે ઓળખ આપી હતી અને દિલ્હીમાં પાંચ કરોડનો બંગલો ગિફ્ટમાં આપવાની વાત કરી હતી. બંગલાનો પ્લાન whatsapp ઉપર આપી અને છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમુદ જોશી પર 15 જુલાઈએ અજાણ્યા ઈસમે ફોન કર્યો હતો. પીએમઓના મુખ્ય સચિવ પીકે મિશ્રા તરીકેની ઓળખ આપી હતી. પાર્ટીના 100 સિનિયર નેતાઓને વડાપ્રધાન દ્વારા ગિફ્ટ આપવાની છે અને જેમાં રાજસ્થાનના વસુંધરા રાજે 100 બંગલા બનાવતા હોવાથી તેમાં એક બંગલો તમને આપવાનો છે તેવી વાત કરી હતી.

આ પણ વાંચોઃ ભારે વરસાદને કારણે 9 સ્ટેટ હાઇવે બંધ, કુલ 325 રસ્તા બંધ

કુમુદ જોશીને રજિસ્ટ્રેશન કરાવવાની વાત કરી હતી અને ત્યારબાદ ફાળવણીની વાત કરી હતી. કુમુદ જોશી આ ગઠિયાની વાતમાં હાયે હા કરી રાખી હતી અને ત્યારબાદ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમમાંથી કુમુદ જોશી પર ફોન આવતા તેમણે આ વાત કરી હતી અને ત્યારબાદ પાલનપુર સાયબર ક્રાઇમમાં પીએમઓના સચિવ તરીકે ઓળખાણ આપનાર પીકે મિશ્રા સામે ફરિયાદ નોંધાવી હતી.

કુમુદ જોશીએ કહ્યુ છે કે, મેં ફરિયાદ એટલા માટે કરી છે કે ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરો છે અને જેમાં ક્યાંક કોઈ છેતરપિંડીનો ભોગ ન બની જાય જેથી ક્રાઈમ બ્રાન્ચે પણ આ આરોપીઓને તાત્કાલિક પકડવા જોઈએ.