બટાટાના ખેડૂતોની વ્હારે ભારતીય કિસાન સંઘ, કલેક્ટરને કહ્યું – નીતિ બનાવો, નહીં તો આંદોલન કરીશું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતોને બટાટામાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજ અને કંપનીઓની નીતિને કારણે ખેડૂતોના બટાટા ખેતરમાં સડી રહ્યા છે. જેને કારણે ભારતીય કિસાન સંઘ ખેડૂતોને વારે આવ્યું છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે, ખેડૂતોના બટાટા માટે કંઈક નીતિ બનાવવામાં આવે નહીં તો ખેડૂતો બરબાદ થઈ જશે. આગામી સમયમાં ભારતીય કિસાન સંઘે આંદોલન કરવું પડશે.

રવી સિઝનમાં મોંઘા બિયારણ લાવી અને ખેડૂતોએ બટાટાની ખેતી કરી વાવેતર પણ થયું અને મબલખ ઉત્પાદન પણ થયું. ત્યારે ખેડૂતોને આશા હતી કે, ભાવ સારા મળશે. તેમના બટાટાનો સંગ્રહ થઈ શકશે. પરંતુ જ્યારે બટાટા ખેતરમાંથી નીકળ્યા અને ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા ગયા તો કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ આ બટાકા ઓછા ભાવે માગ્યા. જો ભાવ ના પોષાતા હોય તો બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ના પાડી દીધી હતી. એટલે ખેડૂતો હવે બરાબરના ફસાયા છે. ખેડૂતોની હાલત ખુબ જ દયનીય બની છે.

બટાકામાં ખેડૂતો ફસાયા એટલે ભારતીય કિસાન સંઘ હવે બટાટાના મુદ્દે મેદાનમાં આવ્યો છે અને ખેડૂતોને નુકસાન થાય છે. જેને લઈને ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટરને રજૂઆત કરી છે. જે વેફરની કંપનીઓ છે તેમનો કોલ્ડ સ્ટોરેજ પર કબજો છે અને ખેડૂતોના બટાટા સંગ્રહ કરવા દેતા નથી. કોલ્ડ સ્ટોરેજ અને કંપનીઓની મિલીભગતથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દેવાદાર અને આપઘાત સુધી પહોંચી શકે તેઓ વારો આવ્યો છે. એટલે ભારતીય કિસાન સંઘની માગ છે કે, તે સરકાર કોલ્ડ સ્ટોરેજ માટે કંઈક નીતિ બનાવે તો ખેડૂતોનું ભલું થઈ શકે. કારણ કે સબસીડી ખેડૂતોના બટાટા માટે આપવામાં આવે છે નહીં કે કંપનીઓ માટે અને આ માગણીને લઈને અત્યારે તો ભારતીય કિસાન સંઘ મેદાનમાં ઊતર્યો છે. જો માગણી નહીં સંતોષાય તો આ ગામમાં ભારતીય કિસાન આંદોલન કરશે.