ઔરંગઝેબ કબર વિવાદ: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કર્યું સરેન્ડર

Aurangzeb Tomb News: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના 8 કાર્યકરોએ આજે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર અંગેના વિવાદના સંબંધમાં સરેન્ડર કર્યું. આ પછી નાગપુર પોલીસે તમામની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ મહારાષ્ટ્ર પોલીસે તમામ વિરુદ્ધ FIR નોંધી હતી. સમાચાર એજન્સી ANI અનુસાર, VHP અને બજરંગ દળના આઠ કાર્યકર્તાઓએ નાગપુરમાં કોતવાલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ પછી બધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

આ બધા પર નાગપુરમાં સંભાજીનગરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે યોજાયેલા પ્રદર્શન દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આ બધા પર ધાર્મિક ચિહ્નો ધરાવતી ચાદરનું અપમાન કરવાનો આરોપ હતો. આ પછી તંગદિલીએ હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

નાગપુર પોલીસે શું કહ્યું?
નાગપુરના પોલીસ કમિશનર ડૉ.રવિન્દર સિંઘલે કહ્યું કે પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે, અમે લોકોને મળી રહ્યા છીએ અને તપાસમાં સહયોગ મેળવી રહ્યા છીએ, અમારા વરિષ્ઠ અધિકારીઓ લોકો સાથે વાત કરી રહ્યા છે. અમે સીસીટીવી કેમેરાને કેવી રીતે નુકસાન થયું તેની તપાસ કરી રહ્યા છીએ.