March 18, 2025

કચ્છમાં બે પક્ષો વચ્ચે મારામારીને શાંત કરાવવા જતા પોલીસ પર પણ હુમલો, 92 લોકો સામે ફરિયાદ

કચ્છ: કચ્છમાં સ્પીડ બ્રેકરના ડખ્ખામાં 1 કે 2 નહીં પરંતુ 92 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ભચાઉના લુણવામાં સ્પીડ બ્રેકર બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં બે પક્ષો વચ્ચે સ્પીડ બ્રેકર બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આરોપીઓ ફરિયાદીને મારવા જતા પોલીસ વચ્ચે પડતા પોલીસ પર પણ હુમલો કરાયો હતો. મારામારીની ઘટનામાં PSI સહિત પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયો હતો.

ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ PSIને પકડી રાખી હુમલો કર્યો હતો. PSIને પકડી રાખ્યા બાદ ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. બે મહિલા સહિત પાંચ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર માર્યો હતો. ટોળાએ પોલીસની સરકારી ગાડીઓમાં તોડફોડ પણ કરી હતી.

સ્પીડ બ્રેકર બનાવવા બાબતે બે પક્ષ વચ્ચે ડખ્ખો થયો હતો. જે મામલે ભચાઉ પોલીસ મથકે 22 વિરુદ્ધ નામજોગ અને 70 અજાણ્યા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલી છે જેથી બંદોબસ્ત પૂર્ણ થતાં આરોપીઓને ઝડપી લેવાશે.