December 6, 2024

ફટાકડા ફોડવા બાબતે ડૉક્ટર પર હુમલો, 3ની અટકાયત, 3 આરોપીઓ ફરાર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર હાઇવે વિસ્તારમાં ઓર્થોપેડિક ડોક્ટર પર ગત રાત્રે છરી વડે હીચકારો હુમલો થયો હતો. જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. ફટાકડા ફોડવાની બાબતે થયેલા હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ, તેમણે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ત્રણ આરોપી ફરાર છે જેમને પકડવા પોલીસે ત્રણ ટીમોની રચના કરી છે.

પાલનપુર હાઇવે વિસ્તારમાં ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા એચ. કે. ગૌસ્વામી ડોક્ટર પર ગઈકાલ રાત્રે હુમલો થયો હતો. ડોક્ટરની હોસ્પિટલમાં શ્રી ICU ચલાવતા ભરત ગૌસ્વામી નામના ઇસમે હુમલો કર્યો હતો. જોકે ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દર્દી આવ્યો હતો અને ડોક્ટર તેમને જોવા માટે જતા હતા ત્યારે ધવલ ઠાકોર અને રાજુ ઠાકોર સહિત અન્ય ઇસમો ફટાકડા ફોડતા હતા. જે બાદ ડોક્ટરને માર્ગ ન મળતા ડોક્ટરે તેઓએ માર્ગ આપવાનું કહ્યું હતું. પરંતુ, તે બાબતે બોલાચાલી થઈ હતી અને ડોક્ટર પર છરી વડે હુમલો કર્યો હતો.

જોકે ડોક્ટર અને તેમની બાજુમાં શ્રી ICU ચલાવતા ભરત ગૌસ્વામી વચ્ચે જૂની અદાવત છે અને અદાવતમાં અગાઉ પણ એકવાર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું છે. ત્યારે અત્યારે તો પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઇ છે અને પાલનપુર પશ્ચિમ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે અને અન્ય જે ત્રણ આરોપી છે તેમને પકડવા ત્રણ ટીમોની રચના કરી છે.