November 6, 2024

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં CRPF પર હુમલો, એક જવાન શહીદ

Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સોમવારે આતંકીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ઈન્સ્પેક્ટર શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

એક અધિકારીએ જણાવ્યું કે, ઉધમપુરના રામનગરના ચેલ વિસ્તારમાં CRPFના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં CRPFના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા. શહીદની ઓળખ કુલદીપ મલિક તરીકે થઈ છે.

શહીદ ઇન્સ્પેકટર હરિયાણાના વતની
54 વર્ષીય CRPF ઈન્સ્પેક્ટર કુલદીપ હરિયાણાના જીંદ જિલ્લાના નિદાની ગામના રહેવાસી હતો અને ટૂંક સમયમાં જ DSPના પદે પ્રમોશન મળવાનું હતું. મોડી રાત્રે તેમની શહાદતના સમાચાર આવતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. માહિતી મળતા જ ગામના લોકો તેના ઘરે આવવા લાગ્યા.

કુલદીપ મલિકનો પરિવાર હાલમાં તેમના પુત્રો સાથે દિલ્હીમાં રહે છે. તેમને બે પુત્રો સંજય અને નવીન છે. સંજય રેલવે પોલીસ, દિલ્હીમાં પોસ્ટેડ છે, જ્યારે નવીન આર્મીમાં છે. કુલદીપ મલિકના પિતરાઈ ભાઈ, પૂર્વ જિલ્લા પરિષદ સભ્ય અમિત નિદાનીએ કહ્યું કે હાલમાં પરિવારના સભ્યોને આ માહિતી મળી નથી. તેને આ અંગે માહિતી મળી છે. તે હાલમાં CRPF ઉધમપુરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સંપર્ક થઈ શક્યો ન હતો.