November 9, 2024

આસામ CMનું VIP કલ્ચર પર એક્શન, મંત્રી-ધારાસભ્યો પોતે ભરશે લાઇટબિલ

Assam CM: આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ VIP કલ્ચર પર મોટું એક્શન લઈને સરકારી ક્વાર્ટર્સમાં રહેતા મંત્રીઓ, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓને પોતાના ઘરના લાઇટ બિલ જાતે ભરવા નિર્દેશ કર્યો છે. તેમને કહ્યું છે કે હું અને મુખ્ય સચિવ 1 જુલાઇથી પોતાનું લાઇટ બિલ જાતે ભરીને એક ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યા છીએ. આ નિર્ણયનો હેતુ VIP કલ્ચર ખતમ કરવાનો છે.

હેમંત બિસ્વા સરમાએ આ અંગે સોશિયલ મીડિયામાં હેન્ડલ ટ્વિટર (X) પર પોસ્ટ કરીને કહ્યું છે કે અમે કરદાતાઓના પૈસે સરકારી અધિકારીઓના લાઇટબિલ ભરવાના VIP કલ્ચરને સમાપ્ત કરી રહ્યા છીએ. હું અને મુખ્ય સચિવ 1 જુલાઇથી પોતાનું લાઇટબિલ જાતે ભરીને અન્ય લોકો માટે ઉદાહરણ પૂરું પાડીશું. 1 જુલાઇ 2024ના રોજથી તમામ સરકારી કર્મચારીઓએ પોતાનું લાઇટબિલ જાતે જ ભરવાનું રહેશે.

સરમાએ આગળ લખ્યું છે કે અમારો હેતુ રાજ્યમાં ઓછી આવક વાળા લોકોને લાભ થાય તે રીતે એક રૂપિયો પ્રતિ યુનિટના ભાવે વીજળી આપવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં વીજળી બચાવવાના અભિયાન હેઠળ, આસામ સરકારે તમામ સરકારી કચેરીઓમાં રાત્રે 8 વાગ્યા બાદ લાઇટનું ઓટો-ડિસ્કનેક્શન શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય સમગ્ર રાજ્યની 8000 સરકારી કચેરીઓ અને શાળાઓમાં પહેલેથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.