October 5, 2024

શામળાજી પાસે હિટ એન્ડ રનની ઘટના; એકનું મોત, બે ઘાયલ

અરવલ્લીઃ શામળાજી પાસે હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. ખોડંબા ગામ પાસે ટ્રકે બાઈકસવારને અડફેટે લીધો હતો.

બાઈક પર બેઠેલા ત્રણ યુવકને ટક્કર મારીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. રોડ પરનું બેરીકેટ ઉડાડી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. તો અન્ય બે યુવક ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ યુવાનો શામળાજી દર્શન માટે જઈ રહ્યા હતા. ટ્રકચાલકોની બેદરકારીને કારણે ભાદરવી પૂર્ણિમાએ ચાલતા જતા પદયાત્રીઓનો જીવ જોખમમાં હોય છે. તે છતાં કોઈપણ પ્રકારની સુવ્યવસ્થા કરવામાં આવતી નથી.

ઇડર-ખેડબ્રહ્મા હાઇવે પર પણ ગમખ્વાર અકસ્માત
ઇડર-ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. પતિ-પત્ની સહિત બાળક સાથે બાઈક લઇને જતા પરિવારને અકસ્માત નડ્યો છે. ટ્રકચાલકે અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ગોઝારા અકસ્માતમાં માતા-પુત્રનું કરુણ મોત નીપજ્યું છે અને પતિનો આબાદ બચાવ થયો છે. બાઇકચાલકને સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે રોડ પર ટ્રાફિકજામ થયો છે.

ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા એકઠાં થયા છે. ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.