October 6, 2024

અરવલ્લીમાં હાઇવે બિસ્માર, સ્થાનિકો સહિત વાહનચાલકો પરેશાન

સંકેત પટેલ, અરવલ્લીઃ પ્રથમ વરસાદ બાદ અરવલ્લી જિલ્લાને જોડતા સ્ટેટ હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ બિસ્માર બનવાની શરૂઆત થતાં વાહનચાલકો સાથે સ્થાનિકો પરેશાન બન્યા છે. પ્રથમ વરસાદે જ રોડમાં જુદા જુદા સ્થળોએ મોટા ખાડા પડી જતાં વાહનચાલકો અકસમાતની ભીતિ સેવી રહ્યા છે.

ચોમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. છેલ્લા ચાર દિવસથી અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેના પગલે પ્રથમ વરસાદે જિલ્લાને જોડતા રસ્તાઓ બિસ્માર બનવાની શરૂઆત થઈ ચૂકી છે. મોડાસાથી શામળાજી અને ગોધરાને જોડતો સ્ટેટ હાઇવેમાં ટીંટોઈ, જીવનપુર, ખેરંચા, ખોડંબા ભવાનપુર જેવા અનેક ઠેકાણે ગાબડાં પડતા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. થોડા મહિનાઓ અગાઉ જ આ રોડ ઉપર રિપેરીંગ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પ્રથમ વરસાદે જ કામની પોલ ખોલી નાંખી છે. ત્યારે પ્રથમ વરસાદ બાદ જિલ્લાને જોડાતા રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકો સાથે સ્થાનિકો અક્સમાતની ભીતિ સેવી રહ્યા છે.

સ્ટેટ હાઇવે ઉપરાંત જિલ્લાને જોડતા અન્ય રસ્તાઓ પણ તૂટતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને સ્ટેટ હાઇવેમાં મોટા વાહનચાલકો ટોલ પણ ભરતા હોય છે. ત્યારે સારા રોડ માટે ટોલટેક્ષ ચૂકવતા વાહનચાલકો પરેશાન બન્યા છે. રોડમાં ઠેક ઠેકાણે પડેલા ગાબડાઓને પગલે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.