તારાપુરના જીચકા ગામે 7 વર્ષની બાળકને ઝેર આપનારી મહિલા પાડોશીની ધરપકડ

આણંદઃ તારાપુરના જીચકા ગામમાં સાત વર્ષના બાળકની હત્યાનો પ્રયાસ કરનારી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પાડોશી મહિલાએ ઝઘડાની અદાવત રાખી બાળકને ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગત તારીખ 16 માર્ચના રોજ મહિલાએ ઝેરી દવા પીવડાવી હતી. ત્યારબાદ માસૂમ બાળકને ત્વરિત સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાડોશીના ઘરમાંથી સોનાની બંગડી ગુમ થવા બાબતે બાળકના પિતા પર આક્ષેપ થયો હતો. આક્ષેપ કરનારી મહીલા ખોટી ઠરતા તેના પતિએ જાહેરમાં થપ્પડ મારી હતી. બાળકની માતા અને પાડોશી વચ્ચે પણ ઝઘડો થયો હતો.

ઝઘડાની અદાવત રાખી પાડોશી મહિલાએ બાળકને ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તારાપુર પોલીસે માસૂમ બાળકની હત્યાનો પ્રયાસ કરનારી મહીલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાત વર્ષના માસૂમ આયુષ ઉર્ફે યશની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી હેતલબેન રાજુ પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ તારાપુર પોલીસ દ્વારા ધરપકડ કરી હતી.