September 20, 2024

આણંદની કેન્ડિડ વિઝા કન્સલ્ટન્સીનું કારનામું, ઓસ્ટ્રેલિયાનો બોગસ વર્ક વિઝા લેટર આપી 30 લાખની ઠગાઈ

યોગીન દરજી, આણંદઃ શહેરમાં આવેલી કેન્ડિડ વિઝા કન્સલ્ટન્સીએ બે યુવાનોને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ અપાવવા માટે 30.10 લાખ જેટલી રકમ મેળવીને ઓસ્ટ્રેલિયન સરકારના હેડિંગવાળા બોગસ વર્ક વિઝા લેટર બનાવીને ઠગાઈ કર્યા મામલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

નડિયાદમાં રહેતા અને કપડાની દુકાન ધરાવતા લતીફભાઈ સલીમભાઈ મોટાનાનો ભાણો અને તેમના મિત્ર સફીભાઈનો પુત્ર બંને વિદેશ જવા ઈચ્છુક હોવાથી 23 ઓગસ્ટ 2023ના રોજ સફીભાઈ ના મિત્ર તન્વેશભાઈ ભાવસાર મારફતે તેઓ આણંદમાં ગ્રીડ ચોકડી વૈભવ કોમ્પલેક્ષમાં આવેલી કેન્ડીડ વિઝા કન્સલટન્સીની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં પ્રિતેશભાઈ મુકેશભાઈ પટેલ અને કૃણાલભાઈ હસમુખભાઈ પટેલ સાથે તન્વેશભીઈએ લતીફ અને સફીની મુલાકાત કરાવી હતી.

મુલાકાત દરમિયાન સમીર વહોરા અને સાહિદને ઓસ્ટ્રેલિયા મોકલવા વર્ક પરમીટ વિઝા માટે વાત કરી હતી. જેથી પ્રિતેશભાઇ અને કૃણાલભાઇએ કામ થઇ જશે અને અંદાજી ખર્ચ 15થી 20 લાખ થશે તેમ જણાવ્યું હતું. વધુમાં કામ શરુ થયા બાદ થોડા થોડા અંતરે નાણાં ચૂકવવા જણાવ્યું હતું. જેથી કૃણાલભાઇએ આપેલા બેંક એકાઉન્ટમાં અંદાજે 11 લાખ તેમજ રોકડા 3.75 લાખ ચૂકવી આપ્યા હતા.

ત્યારબાદ કૃણાલભાઇએ સમીરના વિઝા આવી ગયા હોવાનું જણાવીને 3.85 લાખની માગણી કરી હતી. જેથી લતીફભાઇએ વિઝા લેટરની માંગણી કરતા તેમને ઓસ્ટ્રેલિયા ગર્વમેન્ટના હેડિંગવાળો માઇલમેકર પેટ્રોલિયમ પીટીવાલિ-સેન્ટ કિલ્ડા રોડ, મેલબોર્ન કંપનીનો 18 નવેમ્બર 2023નો વિઝાને લગતો લેટર વોટસએપથી મોકલી આપ્યો હતો. લેટર જોઇને વિશ્વાસ આવતા લતીફભાઇએ તે જ દિવસે કૃણાલભાઇના એકાઉન્ટમાં વધુ 3.85 લાખ આરટીજીએસથી મોકલી આપ્યા હતા. જ્યારે સફીભાઈએ તેમના પુત્ર સાહિદને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે કૃણાલભાઇના બેંક એકાઉન્ટમાં જુદી જુદી તારીખોએ અંદાજે 20 લાખ આરટીજીએસથી મોકલ્યા હતા.

આ રીતે લતીફભાઈએ રૂપિયા 18.90 લાખ તેમજ સફીભાઈએ 11.20 લાખ ચૂકવવા છતાંયે ઓસ્ટ્રેલિયા જવા માટેની વર્ક પરમિટ વિઝાની કોઈ પ્રોસેસ કરવામાં આવી ન હતી. આથી શંકા જતા લતીફભાઇએ ઓસ્ટ્રેલિયન સરકારનો લેટર તેમના જાણકાર મિત્રો પાસે વેરીફાય કરાવતા તે બોગસ લેટર હોવાની હકીકત જાણવા મળી હતી. આ અંગે તેમણે અવારનવાર કૃણાલભાઈનો સંપર્ક કરતા વિઝા લેટર સાચો હોવાનું જ જણાવતા હતા. આથી લતીફભાઈ અને સફીભાઈએ ચૂકવેલા નાણાં પરતની વારંવાર માંગણી કરી હતી.

આખરે કૃણાલભાઈ વતી તેમના પિતા હસમુખભાઈ પટેલે 22 નવેમ્બર 2023ના રોજ લતીફભાઈને 7 લાખ અને સફીભાઈને 7 લાખનો 8 જાન્યુઆરી 2024ની મુદ્દતનો ચેક આપ્યો હતો. જ્યારે બીજા નાણાં થોડા થોડા સમયે ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. ચેકની મુદ્દત નજીક આવતા હસમુખભાઈએ લતીફભાઈ અને સફીભાઈને બોલાવીને ચેક નિયત તારીખ કરતા અઠવાડિયા બાદ ભરવા જણાવ્યું હતું. જો કે, અઠવાડિયા બાદ બંને મિત્રોએ હસમુખભાઈનો સંપર્ક કરતા તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો અને સારસા તેમના ઘરે જઇને તપાસ કરવા છતાં રુબરુ મળ્યા ન હતા.

ત્યારબાદ વારંવાર પ્રયાસ કરવા છતાં કૃણાલભાઈનો સંપર્ક થઈ શક્યો નહોતો. આમ કૃણાલ પટેલે સમીર સાહિદને ઓસ્ટ્રેલિયા વર્ક વિઝા પરમીટ લઈ આપવાના બહાને કુલ રૂપિયા 30.10 લાખ મેળવી લઈને આજદિન સુધી વર્ક વિઝા પરમીટ ન અપાવીને વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હોવાનું, ઓસ્ટ્રેલિયન ગર્વમેન્ટના બોગસ લેટરનો સાચા તરીકે ઉપયોગ કર્યા બદલ કૃણાલ પટેલ સામે લતીફભાઈએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સફીભાઈએ દીકરાને વિદેશ મોકલવા ઘર પણ વેચ્યું
નડિયાદ શહેરમાં રહેતા અને છૂટક ફ્રુટનો વ્યવસાય કરતા સફીભાઈએ દીકરાને વિદેશ મોકલવા માટે પોતાનું પરંપરાગત મકાન પણ વેચી નાખ્યું હતું. પરંતુ દીકરાને વિઝા નહી મળતા આખરે તેમને ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો છે. છુટક વ્યવસાય કરતા સફીભાઈએ દીકરાના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન સેવ્યા હતા, પરંતુ તેમની સાથે છેતરપિંડી થતા તેમના પરિવારનું ભવિષ્ય ગરીબીમાં ધકેલાઈ ગયું.