December 10, 2024

અમરેલીના ગીદરડીમાં 10 વર્ષથી નર્મદાની પાઇપલાઇન ફીટ કરી, હજુ સુધી પાણી નથી આવ્યું!

amreli khambha gidardi village narmada pipeline 10 years no water

ગામલોકોને પાણી માટે વલખાં મારવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે.

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ઉનાળામાં ખાંભા ગીરના છેવાડાનાં ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. 1700ની વસતિ ધરાવતા ખાંભા ગીરના ગીદરડી ગામમાં નર્મદાની પાઇપલાઇન ફિટ કર્યા ને 10 વર્ષ વીત્યાં છતાં હજુ નર્મદાનું પાણી ગીદરડી સુધી પહોંચતું નથી. તેને લઈને ગીદરડીવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગામના સરપંચ દ્વારા આવતી લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ગામની વસતિ 1700ની છે પણ ગીદરડીવાસીઓનાં કરમની કઠણાઈ એ છે કે, ગીદરડી ગામ સુધી નર્મદાની પાઈલલાઇન પથરાઈ ગઈ અને પાણીના ટાંકા સુધી જોડાઈ ગઈ હોવાને આજે 10 વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી એકવાર પણ ગીદરડી ગામને પીવાનું પાણી નર્મદાનું મળ્યું નથી. બીજીબાજુ એકમાત્ર કૂવો અત્યારે ખાલી થઈ ઉભો છે અને ગામજનોને પાણી માટે વાડીમાં ભટકવું પડે છે. આખું ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડાં માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે.

ગીદરડી ગામમાં આવેલા એકમાત્ર અવેડા પર પશુઓ પાણી માટે ટળવળે છે. છેલ્લા 15 દિવસથી એકધારી મોટર શરૂ રાખી હોવા છતાં ડચકે ડચકે પાણી આવે છે. તેનાથી પશુઓ તૃષા છીપાવે છે તો મહિલાઓ માંડ માંડ પીવાનું પાણી મળતું હોય ત્યાં ડૉહળા પાણીથી કપડાં ધોવાની મજબૂરી છે. જ્યારે બળદગાડાં અને ટ્રેકટરમાં ગામની વાડી ખેતરોમાં જઈને પીવાનું પાણી ભરવાની મજબૂરી ગીદરડીવાસીઓ માટે રોજની થઈ ગઈ છે.

ગામલોકો કામધંધા બંધ રાખી સવારથી બપોર સુધી પુરુષો ટ્રેકટર અને બળદગાડામાં વાડીએથી પાણી ભરી રહ્યા છે. લાઈટ પણ હોય ન હોય ત્યારે ગીદરડીવાસીઓ હેરાન પરેશાન વધુ થાય છે. માલઢોરને પીવાનું પાણી મળવું મુશ્કેલ થયું છે અને નર્મદાનું પાણી ન આવવાથી હાલ વિકટ સ્થિતિનો સામનો ગીદરડીમાં જોવા મળી રહ્યો છે. એક ડંકી પર આખું ગામ પીવાના પાણી મેળવવા માટે લાઇન લગાવે છે. આવનારા દિવસોમાં ગીદરડી ગામને નર્મદાનું પાણી નહીં આપવામાં આવે તો સમગ્ર ગામજનો અને ગામ પંચાયતના સદસ્ય દ્વારા આવતી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની લેખિતમાં ચીમકી ઉચ્ચારી હોવાનું ગીદરડી ગામના સરપંચ મુકેશભાઈ સોલંકી જણાવ્યું હતું.

10 વર્ષથી નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન નાંખી દીધી છે અને પાણીના સંપ પણ ઊભા થઈ ગયેલા છે. પરંતુ ગામને પાણી ન મળતું હોવાથી ખાંભા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત જગ્યાએ લેખિત અને મૌખિક રજૂઆતો ગામના સરપંચ દ્વારા કરવામાં આવી હોવા છતાં તંત્રના બાબુઓ કે નેતાઓ ધૂતરાષ્ટ્રની ભૂમિકાઓ ભજવતા જોવા મળી રહ્યા છે.