અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ
અમરેલીઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ માહોલ જમાવી દીધો છે. ત્યારે રાજુલા પંથકમાં ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદને કારણે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે.
રાજુલાની કહેવાતી ગ્રીન સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. સોસાયટી વિસ્તારમાંથી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી સામે સવાલ ઉઠ્યાં છે.
વડીયા પંથકમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વડીયા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે. અરજણસુખ, ખાન ખીજડીયા, હનુમાન ખીજડીયા, બરવાળા બાવળ, ખડખડ, અનીડા, દેવળકીમાં વરસાદી માહોલ જામ્યો છે.
અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ખાંભા પંથકમાં ઘીમીઘારે વરસાદ શરૂ થયો હતો. ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી છે.
અમરેલીના બાબરા અને લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ધીમીધારે બાબરા શહેર અને ગામડાઓમાં સારો વરસાદ વરસી રહ્યો છે. બાબરાના થોરખાણ, ચરખા, ચામરડી, ઉટવડ સહિતનાં ગામડાંઓમાં વરસાદી માહોલ છવાયો છે. બાબરા પંથકમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ વરસાદનું ફરીવાર આગમન થયું છે. વરસાદને લઈને લીલીયા શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. વાવણી બાદ બીજા રાઉન્ડમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.