બગસરાના મુંજીયાસર ગામનો વિચિત્ર કિસ્સો, 40 વિદ્યાર્થીઓએ 10 રૂપિયાની લાલચે હાથમાં બ્લેડથી ચેકા માર્યા

અમરેલીઃ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં બાળકોએ હાથ પગમાં બ્લેડ વડે ચેકા માર્યા છે. બગસરાના મોટા મુંજીયાસર ગામમાં આ વિચિત્ર ઘટના બની છે. મુંજીયાસર ગામની શાળાના વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા છે.
એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને હાથે કાપા માર્યા છે. વીડિયો ગેમના રવાડે ચડેલા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓને ઓફર આપી હતી. હાથ પર બ્લેડના કાપા કરે તો રૂ.10 આપવાની ઓફર કરી હતી. રુપિયા આપવાની ઓફરને લઈ 40 વિદ્યાર્થીઓએ કાપા માર્યા હતા. શિક્ષકોએ આઠ દિવસ અગાઉ બનેલી ઘટનાને છુપાવી હોવાની આશંકા છે.
‘બાળકોનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જરૂરી’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા દોશીએ આ મામલે જણાવ્યું છે કે, ‘આ કિસ્સો વાલીઓ અને શિક્ષકો માટે લાલબત્તી સમાન છે. અત્યાર સુધી એક કે બે વિદ્યાર્થીઓ શિકાર બનતા હતા. હવે તો 40 બાળકો ભોગ બનતા માનસિક સ્થિતિનું કાઉન્સિલિંગ કરવું ખુબ જ જરૂરી છે. બાળકોને મોબાઈલની લત અને ગેઇમ્સનો શોખ ભારે પડ્યો છે. માત્ર 10 રૂપિયાની લાલચે તમામ વિદ્યાર્થીઓએ હાથમાં ચેકા માર્યા. કોઈ એકની વાતમાં આવીને આ પ્રકારનો કિસ્સો ખુબ જ ગંભીર પરિણામ લાવે છે.’