October 7, 2024

કોંગ્રેસના ગઢમાં અમિત શાહે કહ્યું, ‘રાયબરેલીમાં કમળ ખીલાવી દો, 400 આપોઆપ થઇ જશે’

Amit Shah Speech: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે (12 મે)ના રોજ રાયબરેલીમાં લોકોને અપીલ કરી કે અહીંથી કમળ ખીલાવી દો, 400નો આંકડો આપોઆપ પાર થઇ જશે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું.

અમિત શાહે કહ્યું, ‘અહીં (રાયબરેલી) ઘણા લોકોએ મને કહ્યું કે આ પરિવારની બેઠક છે. હું બહેન પ્રિયંકા ગાંધીનું ભાષણ સાંભળી રહ્યો હતો, તેણે કહ્યું કે હું મારા પરિવાર પાસે વોટ માંગવા આવી છું. રાયબરેલીની જનતાએ વર્ષોથી ગાંધી અને નેહરુ પરિવારને વિજયી બનાવ્યા છે એ વાત સાચી, પણ અહીંથી ચૂંટાયા પછી સોનિયા ગાંધી અને તેમનો પરિવાર કેટલી વાર રાયબરેલીમાં આવ્યા છે. ચાલો, સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત રહે છે, પણ શું રાહુલ બાબા કે પ્રિયંકા બહેન આવ્યા છે?

નોંધનીય છે કે, રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ રાહુલ ગાંધી અમેઠીને બદલે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે દિનેશ પ્રતાપ સિંહને ટિકિટ આપી છે.

રાહુલ ગાંધી વિશે શું કહ્યું?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે રાજકુમાર આજે અહીં વોટ માંગવા આવ્યા છે, તમે આટલા વર્ષોથી વોટ આપી રહ્યા છો, શું તમને સાંસદ ફંડમાંથી કંઈ મળ્યું છે? બધા પૈસા ખર્ચી નાખ્યા છે, જો તમને મળ્યા નથી તો ક્યાં ગયા? સોનિયા ગાંધીએ સાંસદોના 70%થી વધુ નાણાં લઘુમતીઓ પર ખર્ચવાનું કામ કર્યું છે.

અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું કે આ ગાંધી પરિવાર જૂઠું બોલવામાં ખૂબ જ એક્સપર્ટ છે. હવે અમે કહી રહ્યા છીએ કે અમે દરેક મહિલાને એક લાખ રૂપિયા આપીશું. તેમણે કહ્યું, ‘હું હમણાં જ તેલંગાણાથી આવ્યો છું, તેલંગાણાની ચૂંટણીમાં તેઓએ કહ્યું હતું કે અમે દરેક મહિલાને 15,000 રૂપિયા આપીશું. રાજ્યની મહિલાઓએ સરકારને ચૂંટી આપી, પરંતુ 15 હજાર રૂપિયા તો શું 1500 રૂપિયા પણ ન આપ્યા.