લેબગ્રોન ડાયમંડ બન્યો રત્ન કલાકારોનો ઓક્સિજન

અમિત રૂપાપરા, સુરત: સુરતને ડાયમંડ નગરી કહેવામાં આવે છે પરંતુ આ ડાયમંડ નગરી સુરતને કોઈની નજર લાગી છે. કારણ કે ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાની મહામારી બાદ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો અને વેપારીઓને આશા હતી કે હીરા ઉદ્યોગ ફરીથી પહેલાની જેમ ધમધમવા લાગશે. પરંતુ ત્યારબાદ યુક્રેન-રશિયા યુદ્ધની પરિસ્થિતિમાં આ ઉદ્યોગની હાલત વધારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને હાલ પરિસ્થિતિ એવી છે કે લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે.
સંસદમાં અવાજ ઉઠાવ્યો
કેન્દ્રીય બજેટમાં પણ સુરતના હીરા ઉદ્યોગ માટે રત્નકલાકારોને રાહત મળે તેવી કોઈપણ પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી. તો બીજી તરફ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા રત્નકલાકારો અને હીરા વેપારીઓને પડતી મુશ્કેલીનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો અને રત્ન કલાકારોના હિતમાં યોજનાઓ જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. તો બીજી તરફ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ રત્નકલાકારોને પડતી મુશ્કેલી બાબતે સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો.
હાર ન માનવી જોઈએ
રત્ન કલાકારોને જે મુશ્કેલી પડી રહી છે તેને લઈને કેટલાક રત્ન કલાકારો હવે આ ઉદ્યોગને છોડી રહ્યા છે. આવા જ એક રત્ન કલાકારની વાત કરીએ તો પ્રતીક જીવાણી નામના રત્ન કલાકાર હાલ ખમણ વેચી પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. પ્રતીક જીવાણી હીરા ઉદ્યોગમાં ખૂબ સારું કામ કરતા હતા. તેઓ દર મહિને 25 થી 30 હજાર રૂપિયામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ મંદી એટલી આવી કે માંડ માંડ તેમને 10,000નું કામ થવા લાગ્યું અને અંતે તેમને પરિસ્થિતિ સામે હાર ન માનીને સુરતના નવા આઉટર રીંગરોડ પર ખમણ વેચવાનું શરૂ કર્યું અને હાલ આ ખમણ વેચીને તેઓ પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે. પ્રતીક જીવાણીએ રત્ન કલાકારો કે જે મુશ્કેલીમાં આવીને આપઘાતનું પગલું ભરે છે તેમને એક અપીલ કરી છે કે, આ ઉદ્યોગમાં તેજી મંદીનો સમય આવ્યા કરે છે પરંતુ પરિસ્થિતિ સામે હાર ન માનવી જોઈએ અને તેની સામે લડવું જોઈએ.
ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે
આવા બીજા એક રત્નકલાકારની વાત કરીએ તો રોહિતભાઈ નામના રત્નકલાકાર પણ પ્રતીક જીવાણીની જેમ જ હીરા ઉદ્યોગના તેજીના સમયમાં 30થી 35,000નું કામ કરતા હતા. પરંતુ મંદીની પરિસ્થિતિમાં તેમને પણ કામ ઓછું થવા લાગ્યું અને પરિવારની જરૂરિયાતો તેઓ સંતોષી ન શક્યા અને અંતે રોહિતભાઈ સુરતના નવા આઉટર રીંગરોડ પર દાબેલી અને વડાપાઉં વેચવાનું શરૂ કર્યું અને હાલ વડાપાઉં અને દાબેલીનો તેમનો આ ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે.
મંદીની અસર ફરીથી હીરા ઉદ્યોગ પર જોવા મળી
GJEPCના ચેરમેન વિજય માંગુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ સુરતનો ડાયમંડ ઉદ્યોગ ખૂબ જ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. રત્નકલાકારોને પણ મુશ્કેલી પડી રહી છે. કેન્દ્રીય બજેટમાં રત્ન કલાકારો માટે કોઈપણ જોગવાઈ કરવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા રત્ન કલાકારો માટે કોઈને કોઈ યોજના જાહેર કરવામાં આવે તો તેઓને મુશ્કેલીમાંથી રાહત મળશે. આ ઉપરાંત તેમને એવું પણ જણાવ્યું હતું કે હાલ રીયલ ડાયમંડની સાથે જોડાયેલા વેપારીઓની પરિસ્થિતિ કથળી રહી છે. પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે ડાયમંડ ઉદ્યોગને લેબગ્રોન ડાયમંડ ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે. પરંતુ હવે આ લેબગ્રોન ડાયમંડમાં પણ ડિમાન્ડ ઓછી થવાના કારણે મંદીની અસર ફરીથી હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. જો સરકારે આ બાબતે વહેલી તકે કોઈ પગલું ન ભર્યું તો આ ઉદ્યોગને દશા વધુ ખરાબ થાય તેવું દેખાઈ રહ્યું છે.
કારીગરો આપઘાત કરી રહ્યા છે
રત્ન કલાકાર છગનભાઈ સભાડીયાએ જણાવ્યું હતું કે, હું 38 વર્ષથી હીરા ઘસું છું અને અત્યારે મંદી એવી છે કે પહેલા હું 35 થી 40 હજારનું કામ કરતો હતો અને અત્યારે 10થી 12 હજારનું કામ કરૂ છુ અને આ મોંઘવારીના પ્રમાણે ઘર ચલાવવા માટે ઓછામાં ઓછા 20 હજાર રૂપિયા જોઈએ છે. સરકારને મારી વિનંતી છે કે અમારા નવા પેકેજમાં અમને આર્થિક સહાય પેકેજ માટે જે કંઈ પણ મદદ તમારાથી થતી હોય તે કરવામાં આવે નહીં તો આર્થિક મંદીના કારણે કારીગરો આપઘાતનું પગલું ભરવા તરફ આગળ વધી રહ્યા છે. ઘર આ સમયમાં ચાલી શકતું નથી અને એટલા માટે આર્થિક સંકળામણમાં કારીગરો આપઘાત કરી રહ્યા છે અને એટલા માટે અમને આર્થિક સહાય આપો.
અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે
રાનું શર્મા નામના રત્નકલાકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હું હીરામાં આઠ વર્ષથી છું અને અત્યારે મંદી એટલી છે કે પહેલા મારે 50,000નું કામ થતું હોય અને અત્યારે 20,000 રૂપિયાનું કામ થાય છે. ઘર ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે અને મારે ઘર ચલાવવા માટે ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની જરૂર છે પરંતુ હાલ મારા મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે. સરકાર આ મંદીમાં રત્નકલાકારોના હિત માટે કંઈ કરે તો સારું નહીં તો અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે ખૂબ જ ઘણી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા 50 નું કામ થતું હોય તેની જગ્યા પર અત્યારે 20,000નું કામ થતું હોય ત્યારે તમે જ સમજી શકો કે કેટલી મંદી હોય. સરકાર આ સમયમાં કારીગરોને સહાય આપે તો વધારે સારું.
આ પણ વાંચો: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું કરાયું લોકાર્પણ
આર્થિક મુશ્કેલીમાં આપઘાત કર્યો
ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રત્નકલાકારોની મુશ્કેલી ખૂબ જ વધી રહી છે. આ સમયમાં રત્નકલાકારોને પરિવારનો ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા રત્ન કલાકારો માટે કોઈપણ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્રીય બજેટમાં રત્ન કલાકારોને નિરાશા મળી છે. ત્યારે ગુજરાત સરકાર પાસેથી અપેક્ષા છે કે રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા પણ રત્નકલાકારનો અવાજ સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે હવે સરકાર પણ રત્ન કલાકારોની સામે જોવે તો વધારે સારું. કારણ કે રત્ન કલાકારો હાલ મુશ્કેલીમાં છે અને એક વર્ષમાં 50 જેટલા રત્નકલાકારોએ આર્થિક મુશ્કેલીમાં આપઘાત કર્યો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.