અમેરિકન અધિકારીઓની ચેટ લીક થવાથી યુરોપિયન દેશોનો વિશ્વાસ ડગમગ્યો, ઉઠ્યા અનેક સવાલ

America Leaked Chat: અમેરિકાના સાથી દેશો યમન પર હુમલો કરવાની યોજનાઓની ચર્ચા કરતી ટોચના અમેરિકી અધિકારીઓની લીક થયેલી ગ્રુપ ચેટને આઘાતજનક સુરક્ષાની મોટી ભૂલ ગણાવી રહ્યા છે. આ ચેટમાં ભૂલથી એક પત્રકાર પણ ઉમેરાઈ ગયો છે. આ ઘટનાએ યુરોપિયન દેશોમાં વોશિંગ્ટન સાથે ગુપ્ત માહિતીની આપ-લે અને સંયુક્ત લશ્કરી કાર્યવાહીની સલામતી અંગે શંકાઓ ઉભી કરી છે.

વોશિંગ્ટનના યુરોપિયન સાથીઓ આને એક ભયંકર અને અવિચારી પગલું માને છે. એક યુરોપિયન રાજદ્વારીએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર સુરક્ષા ભૂલ છે જે અમેરિકા સાથે ગુપ્ત માહિતી શેર કરવા અંગે શંકા પેદા કરી શકે છે. રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટના સુરક્ષા નિષ્ણાત નીલ મેલ્વિને આ ઘટનાને ‘ખૂબ જ આઘાતજનક ઘટના’ ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ઉચ્ચ કક્ષાના યુએસ અધિકારીઓ તરફથી સામાન્ય સુરક્ષા નિયમોની સંપૂર્ણ અવગણના જેવું છે.

લીક થયેલા ડેટાથી માત્ર સુરક્ષા ચિંતાઓ જ નહીં, પણ યુએસ અધિકારીઓએ તેમના યુરોપિયન સાથીઓની પણ અવગણના કરી છે. સંરક્ષણ સચિવ પેટ હેગસેથે યુરોપને નબળું અને છૂટાછવાયું ગણાવ્યા બાદ યુરોપને મદદ કરવાના વારંવારના વચનો પર ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે નિરાશા વ્યક્ત કરી હતી.

આ ટીકા અમેરિકા-યુરોપ સંબંધો માટે બીજો ફટકો છે, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અને સાથીઓની ઉપેક્ષાને કારણે પહેલાથી જ નબળા પડી ગઈ છે. મેલ્વિને કહ્યું કે, આ અમેરિકાના સાથી દેશો માટે કોઈ નવી ખતરાની ઘંટડી નથી. તે પહેલેથી જ વાગતી હતી. જો કે, યુરોપિયન અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે અમેરિકા સાથેના તેમના સંબંધો મજબૂત છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારના પ્રવક્તા ડેવ પેરેસે જણાવ્યું હતું કે, સુરક્ષા, સંરક્ષણ અને ગુપ્તચર બાબતોમાં અમેરિકા અમારું નજીકનું સાથી છે. આ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ત્યારે ફ્રાન્સના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકા અમારું સાથી છે અને ફ્રાન્સ વોશિંગ્ટન તેમજ તેના અન્ય સાથીઓ અને યુરોપિયન ભાગીદારો સાથે મળીને સુરક્ષા સહિતના વર્તમાન પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખશે.

બીજી વખત સત્તામાં આવ્યા પછી ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વભરમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપતા સરકારી કાર્યક્રમોને ભંડોળ આપવાનું બંધ કરી દીધું છે. આ ઉપરાંત બહારના લોકો પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. 17 દેશોમાં સ્થિત અમેરિકી દૂતાવાસોએ ચેતવણી જાહેર કરી છે કે, સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારા મુલાકાતીઓને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પની કડક નીતિઓને કારણે ઘણા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ ઘણા યુરોપિયન દેશોએ તેમના લોકોને અમેરિકાની મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી છે.