March 18, 2025

સાયણ સગીર હત્યા કેસમાં ઓલપાડ પોલીસે આરોપીને 24 કલાકમાં ઝડપી પાડ્યો

કિરણસિંહ ગોહિલ, ઓલપાડ: સાયણના કાશી ફળીયામાં શનિવારની સવારે એક સગીર યુવકની ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી અને હત્યારો હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે એ પહેલા કારેલી ગામ નજીકથી ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો.

ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા યુવકનું નામ વિજય વસાવા છે અને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેસર ગામનો વતની છે. બે દિવસ પહેલા જ ભરૂચના વાલિયાથી કામ ધંધાની શોધમાં સુરતના સાયણ વિસ્તારમાં આવ્યો હતો. સાયણના કાશી ફળિયામાં આવ્યો હતો. પત્ની એકલી હતી અને કાશી ફળીયાનો જ એક સગીર આરોપીની પત્ની પાસે ઉભો હતો. એ દરમ્યાન આરોપી વિજય વસાવા આવી જતા મારી પત્ની સાથે કેમ ઉભો છે કહી ઝઘડો શરૂ થયો હતો. પહેલા બોલાચાલી અને પછી આરોપી અને સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીકમાં પડેલા તિક્ષણ હથિયાર વડે સગીર યુવકના ગળાના ભાગે મારી દેતા સગીર યુવક લોહીલુહાણ હાલતમાં કાશી ફળિયામાં ભાગ્યો હતો. લોકો સગીર યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા લોકો ભેગા થઈ જતા આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

ઓલપાડના સાયણમાં સગીર યુવકની હત્યા થઈ હોવાના મેસેજ મળતા સાયણ આઉટ પોસ્ટના પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદમાં ઓલપાડ પી.આઈ ચેતન જાદવ અને ડી. વાય. એસ. પી એ.જે.પટેલ પણ પહોંચ્યા. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા બાદ ઓલપાડ પીઆઇ ચેતન જાદવે અલગ અલગ ટીમ બનાવી આરોપી વિજય વસાવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને પોલીસને બાતમી મળી કે આરોપી તેના વતન વાલિયા ભાગી રહ્યો છે અને બસ તેનું લોકેશન કારેલી ગામ નજીક મળતા પોલીસે તેને દબોચી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

આરોપી વિજય વસાવા ઝડપાઈ જતા પોલીસે હત્યાંનું કારણ આરોપીને પૂછ્યું તો આરોપીએ કહ્યું કે મારી પત્ની સાથે ઉભેલો હતો એટલે બોલાચાલી, ગાળાગાળી અને ત્યાર બાદ મારામારી થતા આરોપી વિજયએ સગીરની હત્યા કરી નાખી હતી. આવો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. એકે બીજાની પત્ની સાથે વાત કરવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો અને બીજાએ જેલમાં જવાનું આવ્યું એટલે કે એક સાથે બે પરિવારે ભોગવાનું આવ્યું. હાલ તો આરોપીને પણ મારામારીમાં ઇજા થઈ હતી જેની સારવાર કરાવ્યા બાદ પોલીસ આરોપીને જેલ ભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરશે.