કઠુઆ આતંકી હુમલામાં શહીદ તમામ જવાનો ઉત્તરાખંડના, શોકમાં ડૂબ્યું દેવભૂમિ
Kathua Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાનો શહીદ થયા છે. શહીદ થનાર જવાનોમાં સુબેદાર આનંદ સિંહ, હવાલદાર કમલ સિંહ, રાઈફલમેન અનુજ નેગી, રાઈફલમેન આદર્શ નેગી, નાઈક વિનોદ સિંહનો સમાવેશ થાય છે. આ તમામ જવાનો ઉત્તરાખંડના હતા. તો, આ આતંકી હુમલામાં શહીદ જવાનોને લઈને સીએમ પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો હતો. સીએમ ધામીએ શોક વ્યકત કરતાં ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું.
સીએમ ધામીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે કઠુઆ જમ્મુ કાશ્મીરમાં જનપદ પૌડીના કમલ સિંહની શહાદતમન સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. માં ભારતીની રક્ષા કરતાં તેમણે આપેલું સર્વોચ્ચ બલિદાન સદૈવ અવિસ્મરણીય રહેશે. ઈશ્વર પુણ્ય આત્માને શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકકુળ પરિજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તમામ શહીદ જવાનો ઉત્તરાખંડના વતની
આતંકી હુમલામાં શહીદ થનાર તમામ જવાનો ઉત્તરાખંડના જુદા જુદા વિસ્તારોના રહેવાસી છે. સૂબેદાર આનંદ સિંહ કાંડાખાલ રુદ્રપ્રયાગના છે. હવાલદાર કમલ સિંહ લેંસડાઉન પૌડી ગઢવાલના છે. રાઈફલમેન અનુજ નેગી રિખણીખાલ પૌડી ગઢવાલના છે. રાઈફલમેન આદર્શ નેગી ટિહરી ગઢવાલના છે. નાયક વિનોદ સિંહ, જખણ જખની ધાર જાખનીધાર ટિહરી ગઢવાલના છે.
આતંકી હુમલાને લઈને અધિકારીઓનું નિવેદન
સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓએ જણાવ્યું છે કે સોમવારે 7 જુલાઇએ બપોરે 3:30 વાગ્યે બની હતી. આ સમગ્ર ઘટના કઠુઆ શહેરથી 150 કિલોમીટર દૂર લોહાઈ મલ્હારમાં બદનોતા ગામ પાસે બની હતી. જ્યાં માચેડી-કિંડલી-મલ્હાર રોડ પર સેનાનું એક વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. જણાવી દઈએ કે, કઠુઆ જિલ્લામાં એક મહિનામાં આ બીજો મોટો હુમલો છે. 7 જુલાઈની જેમ, 12 અને 13 જૂનના રોજ આ પ્રકારની અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો એક જવાન શહીદ થયો હતો.
જ્યારે, સોમવારે 7 જુલાઈના રોજ સેનાના જવાનો પર હુમલો કરીને આતંકીઓ જંગલમાં ભાગી ગયા હતા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારની માહિતી મળતાની સાથે જ વધારાના સુરક્ષા દળોને તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓની કુલ સંખ્યા ત્રણ હોવાનું કહેવાય છે. તમામ આતંકવાદીઓ પણ હથિયારોથી સજ્જ હતા.