October 13, 2024

અમદાવાદ ટ્રાફિક પોલીસનું હાઇકોર્ટમાં સોગંદનામુ, જાણો કેટલો દંડ વસૂલ્યો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મામલે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી હતી અને 15 દિવસમાં જ સમગ્ર માહિતી સાથે રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું. ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે.

ટ્રાફિક પોલીસે 15 દિવસની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રેકર્ડ પર મૂક્યો છે. 1થી 15 ઓગસ્ટ 2024 સુધીનો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો સ્વીકાર કર્યો છે. ટ્રાફિક પોલીસે સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલુ હોવાની કબૂલાત કરી છે.

સોગંદનામા પ્રમાણે, 15 દિવસમાં ટ્રાફિક પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા છે અને તેની સામે 60.09 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદે પાર્કિંગ બદલ 3,338 વાહનોને ટો કરવામાં આવ્યા છે. આ મામલે 22.94 લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમાં 236 ગુના નોંધવામાં આવ્યા છે. તમામ ગુના ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ નોંધવામાં આવ્યા છે. જ્યારે અન્ય ટ્રાફિક નિયમો તોડનારા લોકો સામે 71 ગુના નોંધાયા છે.

કયા ગુના બદલ કેટલો દંડ વસૂલ્યો?
1. સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3300 કેસ કરવામાં આવ્યા, જ્યારે 14.86 લાખનો દંડ વસૂલ કર્યો.
2. રોંગ લેન ડ્રાઇવિંગ બદલ 20 કેસ કરવામાં આવ્યા 10,000નો દંડ વસૂલ્યો.
3. ટુ વ્હીલર પર બેથી વધુ લોકો સામે 2933 કેસ કરવામાં આવ્યા, તેમાંથી 2.99 લાખ દંડ વસૂલ કર્યો.
4. હેલ્મેટ વિના 28,099 કેસ કરી 1.31 કરોડનો દંડ વસૂલાયો.
5. નો પાર્કિંગ બદલ 15312 કેસ જેમાં 83.03 લાખ દંડ વસૂલ કર્યો.
6. વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા બદલ 486 ગુના નોંધી 2.43 લાખ દંડ વસૂલ્યો.
7. રીક્ષામાં ડ્રાઇવર સીટ પર મુસાફરો બેસાડવા બદલ 2548 કેસ કર્યા. તેમાં 12.93 લાખનો દંડ વસૂલ્યો.
8. દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ બદલ 324 કેસ 14.81 લાખનો દંડ વસૂલ કર્યો.
9. ફેન્સી નંબર પ્લેટ બદલ 245 કેસ કર્યા. જ્યારે 89,700નો દંડ વસૂલ્યો
10. ગાડીમાં ડાર્ક ફિલ્મના ઉપયોગ બદલ 378 કેસ અને એક વખત 1.94 લાખનો દંડ વસૂલ્યો.
11. ભયજનક ડ્રાઇવિંગ બદલ 1688 કેસ અને 34.76 લાખનો દંડ વસૂલ કર્યો.
12. ઓવર સ્પીડિંગ બદલ 4652 કેસ અને 1.03 કરોડ દંડ વસૂલ્યો.
13. રેડ લાઈટ વાયોલેશન બદલ 30,868 કેસ 2.12 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો.