October 7, 2024

સાણંદમાં ઝઘડામાં વચ્ચે પડેલા વૃદ્ધની હત્યા, 8ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ સાણંદમાં એક પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે છોડાવવા જતા વૃદ્ધ પર હુમલો થતા મૃત્યુ નીપજ્યું છે. સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી 8 આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, 19 જુલાઈના રોજ સાણંદના કોદાળીયા ગામમાં આરોપી રણછોડ દેવીપુજક અને તેના પુત્ર મેહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝઘડો કરી રહ્યા હતા. તે સમયે ઝઘડામાં પાડોશમાં રહેતા વૃદ્ધ વિકા ઉર્ફે વિક્રમ ઝીલિયા સહિત અન્ય ગામના લોકો વચ્ચે પડયા હતા. ત્યારબાદ અચાનક ગામના લોકો અંદરોઅંદર પથ્થરમારો કરતા વૃદ્ધ વીકા ઉર્ફે વિક્રમ પર હુમલો થતા જ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આઠ આરોપી ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ સાણંદમાં ટુ વ્હિલર ચોરી ગેરકાયદેસર વેચતા પાંચની ધરપકડ, 22 વાહન જપ્ત

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને આરોપીઓ એક જ ગામના છે અને 19 તારીખે જ્યારે પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી, ત્યારે અચાનક લાઈટ જતી રહેતા બંને જૂથે એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં મૃતક વૃદ્ધને ગંભીર ઇજા થતા અલગ અલગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, સમયસર સારવાર ન મળતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. જેથી સાંણદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને મુખ્ય આરોપી રણછોડ દેવી તેના બે પુત્ર મેહુલ, વિપુલ સાથે જ આરોપી રાહુલ દેવીપુજક, શ્રવણ દેવીપુજક, નટુ દેવીપૂજક, શૈલેષ દેવીપુજક, આસિક દેવીપુજકની ધરપકડ કરી છે.

પોલીસે હત્યામાં વપરાયેલી લાકડી, દંડા સહિતના હથિયાર કબજે કર્યા છે. આ સાથે જ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ હત્યામાં પિતાપુત્રનો ઝઘડો જવાબદાર છે કે અન્ય કઈ જવાબદાર છે જેને લઇ તપાસ શરૂ કરી છે.