ખાનગી હોસ્પિટલોનો નિર્ણય, PMJAY યોજના હેઠળ સારવાર નહીં કરે
અમદાવાદઃ ઘણીવાર સરકારની ભૂલનું પરિણામ સામાન્ય નાગરિકોને ભોગવવું પડે છે. ભૂતકાળમાં આવી અનેક ઘટના બની ગઈ છે. ત્યારે એવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સરકારની ભૂલને કારણે હવે દર્દીઓને ભોગવવાનો વારો આવ્યો છે. શહેરની હોસ્પિટલોમાં સરકારી યોજના PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર બંધ કરી દેવામાં આવી છે. શહેરની 60 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 4 દિવસ સારવાર બંધ રહેશે.
મળતી માહિતી પ્રમાણે, 26થી 29 ફેબ્રુઆરી સુધી તમામ ખાનગી હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત સારવાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હોસ્પિટલોએ આક્ષેપ કર્યો છે કે, PMJAY યોજના હેઠળ કરવામાં આવેલી સારવાર બાદ તેમને પેમેન્ય ચૂકવવામાં આવ્યું નથી.
રાજ્યની 789 જેટલી ખાનગી હોસ્પિટલોને સરકારે પેમેન્ટ ચૂકવ્યું ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેને કારણે હવે ખાનગી હોસ્પિટલોએ PMJAY અંતર્ગત સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતે આ નિર્ણય લીધો છે. તેમના જણાવ્યા પ્રમાણે, PMJAY યોજનાના 870 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.
PMJAY શું છે?
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા પીએમજેએવાય એ આયુષ્માન ભારત યોજનાનો બીજો તબક્કો છે. પીએમજેએવાય વિશ્વભરમાં સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનાઓમાંની એક છે. તે ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટ, પ્રિ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને તબીબી સારવારના ખર્ચ માટે કવરેજ સાથે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ 5 લાખ રૂપિયાનું કવર પૂરું પાડે છે. આ ઉપરાંત કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા તેમ જ પેપરલેસ સુવિધા પણ પીએમજેએવાય હેઠળ ઉપલબ્ધ છે.
PMJAY યોજના હેઠળ શું લાભ મળે છે?
પીએમજેએવાય યોજના હૉસ્પિટલાઇઝેશન પહેલાના 3 દિવસ સુધી અને હૉસ્પિટલાઇઝેશન પછીના 15 દિવસ સુધીના ખર્ચને આવરી લે છે, જેમાં નિદાન અને દવાઓનો ખર્ચ સામેલ છે. કુટુંબના સભ્યોની સંખ્યા, ઉંમર અથવા જાતિ (સ્ત્રી/પુ.) આધારિત કોઈ પ્રતિબંધ નથી. પ્રથમ દિવસથી જ પહેલેથી હોય તેવા કોઈપણ રોગો માટે કવરેજ છે. ડે-કેર ખર્ચને પણ આવરી લેવામાં આવે છે. સ્કીમ હેઠળ નોંધાયેલા લોકો માટે પેપરલેસ સુવિધા સાથે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે. PMJAY હેઠળની સુવિધાઓનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે.