અમદાવાદ પોલીસ કેવી રીતે વ્યાજખોરોને જળમૂળથી ડામશે, નવો એક્શન પ્લાન તૈયાર
મિહિર સોની, અમદાવાદ: રાજ્ય ભરમાં વ્યાજખોરોનાં ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ યથાવર્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં વ્યાજખોરો વિરૂદ્ધની ઝુંબેશ અંતગર્ત 31 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ વ્યાજખોરોનાં ચક્રવ્યુંમાં અનેક લોકો ફસાયા હોવાથી પોલીસે નવી રણનીતિ માટે એક્શન પ્લાન બનાવ્યો છે.
ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સમયથી આર્થિક સંકડામણમાં આવી ગયેલા અનેક લોકો નાણાંની જરૂરિયાતનાં કારણે વ્યાજખોરોનાં ચુગલમાં ફસાયા હતા. આ ભોગ બનેલા લોકોએ વ્યાજખોરોને મૂડી અને વ્યાજ ચૂકવી દીધા બાદ પણ માથાભારે વ્યજખોરો અસહ્ય ત્રાસ આપીને પઠાણી ઉઘરાણી કરતા હતા. આ વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આપઘાત કર્યો હોવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. જેના કારણે ગુજરાત પોલીસે વ્યાજખોરો પર નિયંત્રણ લાવવા માટેની ઝુંબેશ શરૂ કરી છે. જેમાં છેલ્લા બે માસમાં અમદાવાદમાં 38 ફરિયાદો નોંધી અને 31 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 700થી વધુ જરૂરિયાત લોકોને લોન આપવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમમાં 70 ટકાનો વધારો
અમદાવાદનાં જુદા જુદા પોલીસે સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ 125 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. જેમાં વ્યાજખોરોનાં કારણે પીડિતો ઘરે છોડીને નાસી જવા મજબુર બન્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે કેટલાક લોકોએ આપઘાતનો અંતિમ નિર્ણય લીધો છે. આ ઉપરાંત વ્યાજખોરોએ વ્યાજની ઉઘરાણી કરવા માટે લોકોના જીવનની કમાણી તેમજ પોતાની મિલકત પચાવી પાડી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં અનેક અરજીઓની તપાસ બાદ ગુના નોંધવામાં આવ્યા છે. મહત્વનું છે કે પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લોક દરબાર દ્વારા વ્યાજેખોરોનાં ત્રાસથી પીડાતા લોકોની વેદના સાંભળી હતી.
વ્યાજખોરો સામે પોલીસ એ અગાઉ પણ ઝુંબેશ દ્વારા લાલ આંખ કરી હતી. જેમાં પોલીસે કાર્યવાહી બંધ કરતા વ્યાજખોરોનો ત્રાસ ફરી વધ્યો હતો. જેથી પોલીસે ફરી ઝુંબેશ તો શરૂ કરી છે પરંતુ આ ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરો સામે સતત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.