October 14, 2024

અમદાવાદ: રૂપિયા 5 હજારની ઉઘરાણી માટે વ્યાજખોરે રિક્ષાચાલકને પતાવી નાંખ્યો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના મણિનગરમાં વ્યાજખોરે રૂપિયા 5 હજારની ઉઘરાણી માટે યુવકને તલવારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાંખી હતી. મૃતક અને આરોપી વચ્ચે રૂપિયાની ઉઘરાણીને લઈને તકરાર થતા હત્યા કરાઈ હતી. મણિનગર પોલીસે વ્યાજખોર અને તેના સાગરિત સહિત 3 વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદમાં વ્યાજના દુષણ વચ્ચે ખેલાયો ખૂની ખેલ
વ્યાજખોરએ રૂપિયાની ઉઘરાણી કરવા એક યુવકને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. ઘટનાની વાત કરીએ તો વટવામાં રહેતા 38 વર્ષીય લલિતભાઈ ગગનાની પોતાના મિત્રો સાથે કાંકરિયા ખાતે ઝીરાફ સર્કલ નજીક ફૂટપાથ પર ઉભા હતા. ત્યારે વ્યાજખોર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે, કૈલાસ તેમજ એક અજાણ્યો યુવક કારમાં તલવાર અને છરી લઈને આવ્યા હતા અને ત્યાર બાદ લલિત ભાઈ સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરીને હત્યા કરી હતી.

આ પણ વાંચો: VIDEO: સિક્કિમમાં ભારે ભૂસ્ખલન, તિસ્તા ડેમ પર બનેલું પાવર સ્ટેશન કાટમાળથી ઢંકાઇ ગયું

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક લલિતભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેમણે થોડા સમય પહેલા જય ભોલે ફાઇનાન્સ કંપની ચલાવતા ભાવિક ઉર્ફે ભાવેશ પાસેથી વ્યાજે રૂપિયા 5 હજાર લીધા હતા. અને દરરોજ 100 રૂપિયા ચૂકવતો હતો. પરંતુ થોડા સમયથી ચુકવણી બંધ કરી દીધી હતી. એટલે વ્યાજખોર દ્વારા ઉઘરાણી શરૂ કરવામાં આવી હતા. આ ઉઘરાણી દરમ્યાન મૃતક લલિતભાઈએ અશ્લીલ શબ્દો બોલતા વ્યાજખોર ઉશ્કેરાઈ ગયો હતો. અને પોતાના માણસોને લઈને મૃતકની હત્યા કરવા નીકળ્યો હતો. મૃતક પોતાના મિત્રો સાથે વાતચીત કરતો હતો ત્યારે આરોપીઓએ હથિયારોથી હુમલો કરીને હત્યા કરી હતી. આ ઘટનાને લઈને મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મણિનગર પોલીસે હત્યા કેસમાં પરિવારના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી ભાવિકના નિવાસસ્થાને તપાસ કરતા તે પોતાના સાગરિત સાથે ફરાર થઇ ગયો છે. જેથી જુદી-જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.