અમદાવાદમાં વિદ્યાર્થિનીને લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું, શિક્ષકની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ ગુરુ અને શિષ્યના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ઇંગ્લિશ શીખવું હોવાથી નજીકમાં ચાલતા સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં ભણવાનું શરૂ કર્યું અને ત્યાં યુવતીને ભણાવનાર શિક્ષકે યુવતી પર નજર બગાડી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતાના કરતાં દસ વર્ષ નાની યુવતીને શિક્ષકે હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરી અંગત ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપતા યુવતીએ પોલીસની મદદ માગી છે. ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, ખોખરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વર્ષ 2022માં યુવતીને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવાના હોવાથી તેના સોસાયટીમાં રહેતા જીગ્નેશ ગોહિલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. તે કોંગ્રેસ એજ્યુકેશન નામથી સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચલાવતો હોય યુવતીએ તેની પાસે ભણવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જીગ્નેશ ગોહેલ અવારનવાર યુવતીને ફોન કરતો હતો અને તેઓ મળવા જતા હતા અને અનેક વખત બહાર પણ ફરતા હતા. ત્યારબાદ જીગ્નેશ ગોહિલે યુવતીને સોનીની ચાલી પાસે આવેલી શિવસાગર હોટલમાં છથી સાત વખત લઈ જઈ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
પકડાયેલો શિક્ષક જીગ્નેશ ગોહિલે મળવાનું દબાણ કરી, મળવા નહીં આવે તો અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના કારણે યુવતી ડરી જતા તેણે જીગ્નેશ ગોહિલનો ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. જો કે, બાદમાં પણ જીગ્નેશ ગોહિલે યુવતીને સતત ફોન કરી હેરાન કરતો હોવાથી અંતે યુવતીએ તેના માતા-પિતાને જાણ કરી હતી. આખરે પોલીસ ફરિયાદ કરીને તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી શિક્ષકે યુવતી ના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હોવાથી પોલીસે આરોપીનો મોબાઇલ કબજે લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જો કે, આ નરાધમ શિક્ષકે આ રીતે અન્ય કોઈ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો ભોગ બનાવી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ અને પૂછપરછ પોલીસે હાથ ધરી છે.