October 14, 2024

પાનના ગલ્લે ઉભેલા લોકો અને તમારા કોન્સ્ટેબલમાં કોઈ ફર્ક નથી: HC

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને કારણે થોડા દિવસ પહેલાં હાઇકોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી હતી. આકરા શબ્દોમાં ટીકા કરતા 15 દિવસમાં જ રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું. ત્યારે આ મામલે હાઇકોર્ટમાં ટ્રાફિક પોલીસે સોગંદનામુ રજૂ કર્યું હતું. આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

AMC અને ટ્રાફિક JCP દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટે આ મામલે કહ્યુ હતુ કે, ‘4 અઠવાડિયા થયા પણ અમે રોડ પર કોઈ ડિફરન્સ નથી જોઈ રહ્યા. તમે ક્રોસ રોડ પર જઈને જુઓ તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. પાનના ગલ્લે ઉભેલા લોકો અને ક્રોસ રોડ પર તમારા કોન્સ્ટેબલમાં કોઈ ફર્ક જોવા નહીં મળે.’

આ ઉપરાંત અરજદારે સોગંદનામા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘સોગંદનામાના નામે માત્ર આશ્વાસન જ મળે છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે.’ તો સરકારી વકીલે બોપલ-આંબલી રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરી હતી. આ ઉપરાંત કારગીલ જંક્શન રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની વાત કરી હતી.

ત્યારે હાઇકોર્ટે તેમણે ટપારતા કહ્યુ હતુ કે, ‘અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી. અમે અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ.’ એડવોકેટ જનરલ હાજર ન હોવાથી બપોરે 2.30 વાગ્યે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.