March 25, 2025

ધાર્મિક ગેરકાયદેસર બાંધકામ મામલે હાઇકોર્ટમાં સોગંદનામું, 156 ઇમારતો દૂર કરી

અમદાવાદઃ રાજ્યમાં ધાર્મિક ગેરકાયદેસર બાંધકામ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કાર્યવાહીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર તરફથી નિપૂણા તોરવણેએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. 21 નવેમ્બર 2024થી 31 જાન્યુઆરી 2025 સુધીમાં 33 જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા વિસ્તારમાં 127 અને કોર્પોરેશન વિસ્તારમાં 29 ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી હતી. કુલ 156 ગેરકાયદેસર ઉભી કરેલી ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી હતી. 14 ધાર્મિક સંસ્થાને રીલોકેટ કરવામાં આવી છે.

જાહેર માર્ગ, બગીચા અથવા અન્ય જાહેર જગ્યા ઉપર આવેલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ હોય તેની સામે 458 નોટિસ ફટકારવામાં આવી છે. ધાર્મિક આગેવાનો સાથે સમજાવટના ભાગરૂપે 826 બેઠક કરવામાં આવી હતી. અનઅધિકૃત ધાર્મિક બાંધકામો મામલે કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. ગેરકાયદે સ્થળ પર ડિમોલિશન ચાલતું હોય ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા પણ કોર્ટનો નિર્દેશ છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.