October 7, 2024

RTE હેઠળ દાખલ થયેલા બાળકો સાથે ભેદભાવની ફરિયાદ મળતા DEOની કાર્યવાહી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગરીબ અને વંચિંત વર્ગના બાળકો પણ સારૂં શિક્ષણ મેળવે તે હેતુથી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને એડમિશન ફાળવાવમાં આવે છે. ત્યારે અનેક સ્કૂલ બાળકો સાથે ભેદભાવ કરતી હોવાની ફરિયાદ ઉઠી છે. અમદાવાદની બે સ્કૂલોની ફરિયાદ ડીઇઓને કરવામાં આવતા તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ‘આરટીઇ અંતર્ગત અભ્યાસ કરતા બાળકો સાથે ભેદભાવ કરી શકાય નહીં તેમ છતાં પણ આ સ્કૂલ દ્વારા બાળકો સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરવામા આવી હતી. નરોડામાં આવેલી આરપી વસાણી સ્કૂલ દ્વારા આરટીઇના બાળકોને બપોરની પાળીમાં ભણાવવામાં આવતા હોવાની ફરિયાદ સામે આવી હતી. શાળા સવારની પાળીમાં ચાલતી હોવાનું અને આરટીઇના બે ક્લાસ જ બપોરની પાળીમાં ચાલતા હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવતા ઇઆઇ દ્વારા શાળાની તપાસ કરવામાં આવી હતી અને બપોરની શાળા બંધ કરીને અન્ય વિદ્યાર્થીઓની સાથે જ આ બાળકોને અભ્યાસ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.’

આ ઉપરાંત સ્કૂલ દ્વારા આ પ્રકારનું પગલું કેમ ભરવામાં આવ્યું તેનો લેખિતમાં ખુલાસો ડીઇઓ દ્વારા માગવામાં આવ્યો છે. તો બીજી તરફ રાણીપમાં આવેલી આત્મીય સ્કૂલમાં પણ ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે.