October 11, 2024

અમદાવાદ બન્યું નશાની હેરાફેરીનું હબ, 1 કરોડના ડ્રગ્સ સાથે 2ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: 200 કિલો ગાંજો ઝડપાયાના અઠવાડિયામાં જ વધુ એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. રાજસ્થાનના ડ્રગ ડીલર દ્વારા સરખેજ મોકલવામાં આવેલું અંદાજિત એક કિલો ડ્રગ્સની સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાડીમાં ભંગારની આડમાં સ્પેર વિલમાં છુપાવેલું ડ્રગ્સ કબ્જે કરી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ લાવનાર અને તેના રીસીવરની ધરપકડ કરી છે. સાથે જ, ડ્રગ્સ નેટવર્કમાં જોડાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી.

રાજ્યમાં એમડી ડ્રગ્સની થઈ રહેલી હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. રાજસ્થાનના ઉદયપુરથી અંદાજિત એક કરોડની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ અમદાવાદ ડિલિવરી આપવા આવતા ડ્રગ સપ્લાયર વિષ્ણુ વાદીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ, અમદાવાદમાં ડ્રગ્સ રિસીવ કરનાર આસીમ હુસેન સૈયદ ની પણ ધરપકડ કરવામાં આવી. આરોપીની પૂછપરછ માં સામે આવ્યું કે ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી તરીકે રાજસ્થાનના અતિક નામના પેડલરનુ નામ સામે આવ્યું છે. જે ઉદયપુરના અંતરિયાળ વિસ્તારમાં ડ્રગ નું ઉત્પાદન કરી તેનું ગુજરાત સહિત અન્ય રાજ્યમાં સપ્લાય કરી રહ્યો છે.

ઝડપાયેલ બંને આરોપીની તપાસ કરતા જે ઈકો ગાડી પોલીસે ઝડપી હતી, તે ગાડીમાં ભંગારની આડમાં ડ્રગ સપ્લાય થતું હતું. સાથે જ ડ્રગ્સ સપ્લાય માટે ગાડીમાં અલગથી એક સ્પેરવિલ રાખવામાં આવ્યું હતું. ઉદેપુર થી ડ્રગ સાથે ગાડી લાવનાર વિષ્ણુ વાદી ડ્રગ્સ સાથેનું સ્પેર વિલ ઉતારી આસીમ હુસેનને સોંપી ફરાર થઈ જવાનો હતો. જોકે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને એક સાથે ઝડપી એક કરોડનું ડ્રગ કબજે કર્યું છે. તો બીજી તરફ પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિષ્ણુ વાદી બીજી વખત ડ્રગ્સની સપ્લાય કરવા આવ્યો હતો. ઉપરાંત અમદાવાદનો આસીમ છેલ્લા દોઢ વર્ષથી ડ્રગ્સના રેકેટમાં સંડોવાયેલ હતો. માટે વિષ્ણુ અગાઉ કોને ડ્રગ્સ આપી ચૂક્યો છે. તથા આસિમ કોની પાસેથી ડ્રગ્સ લાવતો હતો તેમાં મને તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં સામે આવ્યું કે, વિષ્ણુવાદી પોતાના ભાઈની ગાડી ફરવાના બહાને ઉદેપુર લઈ ગયો. અને ત્યાંથી ડ્રગ અમદાવાદ સપ્લાય કરવા નીકળ્યો હતો. જોકે વિષ્ણુ વિરુદ્ધ અગાઉ બે ગુના ઈડરમાં નોંધાયા છે. જેમાં એક ગુનામાં પોલીસે તેને રોકતા વાહન મૂકીને ફરાર થયો હતો. જેથી પોલીસની શંકા છે કે વિષ્ણુ તે વાહનમાં પણ ડ્રગ લઈને આવતો હતો. જેથી તે વાહન અંગે પણ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ડ્રગ્સ મંગાવતા પહેલા આસીને ડાઉન પેમેન્ટ પેટે રૂપિયા પણ મોકલ્યા હતા. તે રૂપિયા કોણે અને કેવી રીતે મેળવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.