October 5, 2024

લો બોલો! સુરક્ષા માટે લગાવેલા કોલબોક્સની જ ચોરી, આ છે સુરક્ષિત અમદાવાદ?

મિહિર સોની, અમદાવાદઃ મહિલા, બાળકો અને સિનિયર સિટિઝનની સુરક્ષા માટે લગાવેલા ઇમર્જન્સી કોલ બોક્સ અસુરક્ષિત બન્યા છે. ગોમતીપુર વિસ્તારમાં સુરક્ષા કવચ એવા કોલબોક્સ તોડીને CCTVના કેમેરાની ચોરી થઈ છે. પોલીસે ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ચોર દ્વારા અન્ય કોઈ વિસ્તારમાં ઇમર્જન્સી કોલ બોક્સના કેમેરાની ચોરી કરી નથી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં ઇમર્જન્સી સુરક્ષા માટે લગાવવામાં આવેલા કોલબોક્સ અસુરક્ષિત હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નિર્ભયા સેફ સિટી અંતર્ગત ગોમતીપુર પટેલ પરમાનંદની ચાલીની સામે ઇમર્જન્સી કોલબોક્સ લગાવવામાં આવ્યા હતા. આ કોલબોક્સની અંદર લગાવવામાં આવેલા કેમેરાની ચોર દ્વારા ચોરી કરવામાં આવી હતી. 80 હજાર કિંમતના વિશ્વ નામના કેમેરાની ચોરી થતા પોલીસની સુરક્ષા માટે સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે લગાવેલા કોલબોક્સ જ સુરક્ષિત નથી તો નાગરિકોની સુરક્ષા કેવી રીતે થશે. હાલમાં ગોમતીપુર પોલીસે ઇમર્જન્સી કોલ બોક્સની ચોરી કેસમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય હેઠળ દેશના આઠ શહેરોમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને સુરક્ષા માટે જરૂરી એવા હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના અલગ અલગ 500 જેટલા હોટસ્પોટ નક્કી કર્યા બાદ 205 લોકેશન પર પોર્ટેબલ ઇમર્જન્સી કોલ બોક્સ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ મહિલા ઇમર્જન્સીના સમયે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે અને વીડિયો કોલથી વાત કરી શકે છે. પરંતુ જે પ્રકારે ગોમતીપુરમાં કોલ બોક્સના કેમેરાની ચોરીની ઘટના બનતા શું મહિલાઓ કે સિનિયર સિટીઝન સુરક્ષિત રહેશે તે મોટો સવાલ છે.

મહત્વનું છે કે મહિલાની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 વર્ષે 220.11 કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી અલગ અલગ સ્થળે 677 સીસીટીવી કેમેરા અને 205 ઈલેક્ટ્રીક ફોન કોલ બોક્સ મુકવાનો નિર્ણય લેવાયો હતો. મહત્વનું છે કે, જે જગ્યાએ છે આ કોલ બોક્સની ચોરી કરવામાં આવી છે, ત્યાં અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. એટલે કે ચોર પોલીસને જાણે પડકાર ફેંકી લોકોની સુરક્ષા માટે લગાવેલા કોલ બોક્સની ચોરી કરી છે.