અમદાવાદમાં બુલિયનનો કર્મચારી બન્યો ચોર, 70 લાખના બિસ્કિટ ચોરનારા બેની ધરપકડ; એક ફરાર

મિહિર સોની, અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં બુલિયનનો કર્મચારી ચોર બન્યો છે. મોજશોખ પૂરા કરવા માટે રૂપિયા 70 લાખના સોનાના બિસ્કિટની ચોરી કરી હતી. આરોપીઓ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. નવરંગપુરા પોલીસે 3 કર્મચારી વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે.
નવરંગપુરા પોલીસે આ મામલે હાર્દિક કાનાણી અને ભરત ભાલાણીએ વોન્ટેડ આરોપી યસ સોની સાથે મળીને બુલિયનની ઓફિસમાં 900 ગ્રામ 70.20 લાખના સોનાના બિસ્કિટની ચોરી કરી છે. આ ત્રિપુટી દ્વારા બુલિયનની ઓફિસમાં નોકરી કરીને ડિસેમ્બર વર્ષ 2024થી ટુકડે ટુકડે સોનાના બિસ્કિટની કુલ 1500 ગ્રામ ચોરી કરી ચૂક્યા હતા. જે લગભગ આશરે 1.10 કરોડ રૂપિયા થાય છે.
સીજી રોડ પર આવેલા આરવ જવેલર્સ બુલિયનના માલિક પ્રતીક સોનીને સોના બિસ્કિટની ચોરીને લઈ શંકા ગઈ હતી. તેના આધારે આરોપી યસ સોનીની પૂછપરછ કરતા 500 ગ્રામ સોનું પરત આપ્યું હતું. તપાસ કરતા બીજા 900 ગ્રામ પણ સોનાના બિસ્કિટ ચોરી થયા છે તેવી જાણ થઈ હતી. આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બુલિયનની ઓફિસમાં સોના બિસ્કિટ ડિલિવરી તથા બુકિંગ કામ યસ સોની કરતો હતો. આ સોનું 1 કિલો પેકેટમાંથી 100 – 100 ગ્રામ સોનાનું એક બિસ્કિટ કાઢી દેતો હતો. ત્યારબાદ આરોપી હાર્દિક કાનાણી અને અમિત ભાલાણી એકાઉન્ટ કામ કરતો હોવાથી ખોટી એન્ટ્રીઓ ટેલી બતાવી સોફ્ટવેરમાં એક્સેલ સીટમાં બિસ્કિટ વેચ્યા હોવાનું ચઢાવી દેતા હતા.
પકડાયેલા આરોપીઓ સોફ્ટવેર એક્સેલ સીટમાં અન્ય વેપારીના નામે ડિલિવરી દર્શાવી તેમાં આવક દર્શાવતા હતા. પરંતુ વેચેલા સોના બિસ્કિટ બેંકમાં તપાસ કરતા તેમાં પૈસા જમા થયા ન હતા. તેથી વેપારી પ્રતીક સોનીએ આરોપી હાર્દિક અને અમિતને પૂછતા શરૂઆતમાં ભૂલથી એન્ટ્રી થઈ હોવાનું કહ્યું હતું. આવી રીતે 200 ગ્રામ એન્ટ્રી વસોધરી જ્વેલર્સ અને પાલનપુરના કોઈ જવેલર્સ 700 ગ્રામના ગોલ્ડ ડિલિવરી એન્ટ્રી કરી હતી. આ એન્ટ્રીના પૈસા બેંકમાં જમા ના થયા અને યશ સોની 900 ગ્રામ સોનાના બિસ્કિટ ચોરી કરી પોતાની પાસે રાખ્યા હતા. વોન્ટેડ આરોપી યશે હાર્દિક અને અમિતને 17-17 લાખ રૂપિયા આપ્યા હતા કે તેઓ કોઈને જાણ ના કરે. આ મામલે બંન્ને આરોપીએ કબૂલાત કરી છે.
સોનાના બિસ્કિટ ચોરી કરનારો મુખ્ય આરોપી યશ સોની ફરાર થઈ ગયો છે, જે બુલિયનની ઓફિસમાં ચાર મહિના પહેલાં જ નોકરી લાગ્યો હતો. પરંતુ પકડાયેલા બંને આરોપી લગભગ 7 વર્ષથી નોકરી કરી રહ્યા હતા. ત્યારે હાલ આરોપી મોજશોખ અને અંગત ખર્ચ માટે સોનાના બિસ્કિટ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.