December 14, 2024

માતાએ કરી 10 મહિનાની દીકરીની ગળું કાપીને હત્યા, પોલીસે ધરપકડ કરી

મિહિર સોની, અમદાવાદઃ લગ્નજીવનથી નાખુશ મહિલાએ મમતાનું ખૂન કર્યું છે. પતિથી છુટકારો મેળવવા 10 માસની દીકરીનું ગળું કાપીને હત્યા કરી નાંખી છે. માતાના ખોળામાં રમતી દીકરીને માતાએ જ મોતને ઘાટ ઉતારતા ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને મહિલાની ધરપકડ કરી છે.

‘મા’ શબ્દને લાંછન લગાવનારો એક કિસ્સો આસ્ટોડિયા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક માતાએ પતિથી છુટકારો મેળવવા માસૂમ 10 માસની દીકરીની હત્યા કરી દીધી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતી આ મહિલા રીઝવાના વડનગરવાલા છે. આ મહિલાએ 10 માસની દીકરીનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. ઘટના એવી છે કે, 6 જુલાઈના રોજ આરોપી રિઝવાના 10 માસની દીકરી ફાતિમાને સાંજે ન્હાવા માટે લઈ ગઈ હતી અને બાથરૂમમાં પતિની દાઢી કરવાની બ્લેડથી દીકરીનું ગળું કાપી દીધું હતું. ત્યારબાદ દીકરીને ગળાના ઇન્ફેક્શનમાં લોહી નીકળી રહ્યું હોવાનું કહીને વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ બાળકીનું મોત ગળું કાપવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે રિઝવાનાની પૂછપરછ કરતા હત્યાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે દીકરીની હત્યા કેસમાં રિઝવાનાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં જમીન બાબતે સગા દીકરાએ બાપને મોતને ઘાટ ઉતાર્યો

10 માસની દીકરીની માતાએ કરેલી કરપીણ હત્યા કેસની તપાસમાં ખુલાસો થયો કે, આરોપી મહિલા રિઝવાના પતિ આમીન સાથે લગ્ન કરીને ખુશ નહોતી. રિઝવાના અને આમીનના લગ્ન જીવનના 3 વર્ષ થઈ ગયા હતા અને 10 માસની દીકરી ફાતિમા હતી. પરંતુ બંને પતિ પત્ની વચ્ચે મનમેળ નહોતો. જેથી રિઝવાના પતિ આમીન સાથે તલાક લેવા માગતી હતી. પરંતુ 10 માસની દીકરી ફાતિમા હોવાથી તે પતિથી છુટકારો મેળવી શકતી નહોતી. રિઝવાના પતિ સાથે છુટકારો મેળવીને બીજા લગ્ન કરવાના સપના જોતી હતી. જેથી ફાતિમા તેના નવાજીવન માટે કાંટો બની ગઈ હતી. જેથી ફાતિમાએ દીકરીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને બાળકીની નિર્દયતાપૂર્વક ગળું કાપી મોતને ઘાટ ઉતારી હતી.

આ પણ વાંચોઃ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર? વરસાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી

બાળકીની હત્યા કેસમાં ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને માતાની ધરપકડ કરી છે. આ હત્યા પાછળ પતિ સાથે તલાક લેવાનો જ મુદ્દો હતો કે, રિઝવાનાના કોઈની સાથે પ્રેમ સંબંધ હતા કે કેમ, તે મુદ્દે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. હાલમાં હત્યામાં ઉપયોગ લેવાયેલી બ્લેડ જપ્ત કરીને પોલીસે FSLની મદદથી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દીકરીની હત્યા કરવાનો રિઝવાનાને કોઈ અફસોસ નથી. માતાની આ ક્રૂરતાને જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં છે અને રિઝવાનાને જેલના સળીયા પાછળ ધકેલી છે.