September 11, 2024

કુદરતી હાજતના બહાને ટોયલેટની બારી તોડી ફરાર થયો આરોપી, વતનમાં આવતા ઝડપી લીધો

મિહિર સોની, અમદાવાદઃ કુદરતી હાજતના બહારે પોલીસ લોકઅપમાંથી બહાર નિકળી ફરાર થયેલા આરોપીને અંતે પોલીસે ઝડપી પાડ્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ એક સપ્તાહ પહેલા બન્યો હતો. આ આરોપીને પકડવા અલગ અલગ જિલ્લાઓમાં ટીમ મોકલવામાં આવી હતી અને અંતે તેના વતનમાં આરોપી આવતા પકડી પાડવામાં આવ્યો છે.

સોલા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ આરોપીનું નામ મેહુલ નટવરભાઈ પરમાર છે. મૂળ દાહોદના રહેવાસી આ આરોપીની બીજીવાર પોલીસે ધરપકડ કરી છે. કારણ કે, આ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ગત 13 જુલાઈ 2024ના રોજ સવારના 8 વાગ્યાના અરસામાં સોલા હાઈકોર્ટનાં લોકઅપમાં રહેલા દુષ્કર્મના આ આરોપીએ પોલીસ સ્ટેશનમાં PSO તરીકે હાજર શામળભાઈ ગાંડાભાઈ નામના હેડકોન્સ્ટેબલને કુદરતી હાજતે જવું હોવાનું કહીને લોકઅપનું ટોયલેટ બ્લોક થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જેના કારણે પોલીસકર્મીએ તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસના ટોયલેટમાં કુદરતી હાજત માટે મોકલતા તે ત્યાં ટોયલેટની બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હતો. આ અંગે વધુ એક ગુનો નોંધાયા બાદ પોલીસે તેને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી અને અંતે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના આ આરોપીની સોલા પોલીસે 10 જુલાઈએ ધરપકડ કરી હતી અને 15મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. ઝડપાયેલા આરોપી સામે ગત જૂન મહિનામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો સોલા પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં તે સગીરાને ભગાડીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ મામલે સોલા હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં બાંધકામની સાઈટ ઉપર હોવાની માહિતીના આધારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થતા પોલીસ કમિશનરે સોલાના PSO શામળભાઈ ગાંડાભાઈને સસ્પેન્ડ કર્યા હતા. આ બનાવ બાદ સોલા પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તેમાં 19 જુલાઈએ રાત્રે લીમખેડાના દુધિયા ગામના ચિભડીયા વિસ્તારમાંથી ઝડપાઈ ગયો હતો.

આ આરોપીએ ફરાર થયા બાદ તેના વતનના આજુબાજુના અન્ય મજૂરનો મોબાઈલ નંબર મેળવીને કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. તેમ જણાવી ભાઈ રાહુલ પરમારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ભાઈ પાસેથી ઓનલાઈન પૈસા મેળવી અલગ અલગ વિસ્તારોમાં નાસતો ફરતો હતો અને ખેડા પહોંચી ત્યાંથી દાહોદ પહોંચ્યો હતો. આ મામલે પકડાયેલા આરોપીની 2 દિવસના રિમાન્ડ મેળવી સોલા પોલીસે તેની મદદ કરનાર અંગે તપાસ શરૂ કરી છે.