September 11, 2024

દેવું થતા યુવકની આત્મહત્યા, વર્ષ પછી સુસાઇડ નોટ મળતા છેતરપિંડી થયાનો ભાંડો ફૂટ્યો

મિહિર સોની, અમદાવાદઃ અસલાલીમાં 23 વર્ષના યુવકના આપઘાત કેસમાં આવ્યો વળાંક આવ્યો છે. મિત્રએ પ્રેમિકાને પ્રાપ્ત કરવા તાંત્રિક વિધિના નામે પૈસા પડાવ્યા હતા. યુવકને દેવું થઈ જતા તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. એક વર્ષ બાદ પરિવારને સુસાઇડ નોટ મળતા આ સમગ્ર મામલે પર્દાફાશ થયો હતો. પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

સુસાઇડ નોટમાં યુવકે લખ્યુ હતુ કે, ‘મને માફ કરી દેજો મમ્મી-પપ્પા. હું તમારી અપેક્ષા પ્રમાણે તમને નહીં રાખી શકું. મે પેલા હરામીની વાતમાં આવીને ખોટા સપનાઓ જોયા એણે મને ખોટા સપનાઓ બતાવી ધીમે ધીમે કરીને મારી જોડે પૈસા પડાવ્યા. મેં લોકોની પાસે જે પૈસા લીધા હતા. તે એમને પરત કરી દીધા છે. હજુ પણ મારા નામ પર પાંચ લોન છે અને બે ક્રેડિટ કાર્ડના પૈસા આપવાના બાકી છે, જે હું ખોટી આશામાં રહીને પાંચ મહિનાથી એક રૂપિયો પણ ભરી શક્યો નથી. તમારો ખ્યાલ રાખજો. હું આવી રીતે માથું નીચું રાખીને નહીં જીવી શકું. આ મહિનાનો પગાર પણ મેં લોકોને પૈસા પરત આપવામાં ખર્ચી નાંખ્યો છે. છેલ્લે મારી પાસે 2650 રૂપિયા પડ્યાં હતા, તે પણ એણે પડાવી લીધા હતા.’

આ પણ વાંચોઃ ગુજરાતનો દરિયાકિનારો બન્યો ‘ડ્રગ્સમય’, ખીદરત ટાપુ પરથી 10 પેકેટ્સ ચરસ ઝડપાયું

આ અંતિમ શબ્દો દર્શન કાછીયા નામના 23 વર્ષીય યુવકના છે. આ યુવકે 9 મે, 2023ના રોજ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. એક વર્ષ બાદ પરિવારને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લલિત ગુપ્તા નામના યુવકે તાંત્રિક વિધિના નામે પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. તેના માથે 4 લાખ રૂપિયાનું દેવું થઈ જતા દર્શને આપઘાત કરતા અસલાલી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ પોરબંદરના દરિયાકિનારેથી ઝડપાયા નશીલા પદાર્થના પેકેટ્સ, SOGની કાર્યવાહી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક દર્શન કાછીયા લાંભા ગામમાં પરિવાર સાથે રહેતો હતો અને આનંદનગરમાં મુથુટ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. લાંભા ગામમાં રહેતા લલિત ગુપ્તા સાથે 2 વર્ષ પહેલાં મૃતકને મિત્રતા થઈ હતી. લલિતને પૈસાની જરૂરિયાત હોય ત્યારે દર્શન પાસેથી ઉછીના લેતો હતો. તેઓ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. દર્શન એક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. જેની જાણ લલિત ગુપ્તાને હતી. તેથી લલિતે પૈસા પડાવવા દર્શનને યુવતીને પામવા તાંત્રિક વિધિની વાત કરી હતી. એક તાંત્રિક બાબાને મળીને તાંત્રિક વિધિ કરાવી પડશે જેથી યુવતી તારી પાસે આવી જશે અને તું જે કહીશ તે કરશે. આ પ્રકારે તાંત્રિક વિધિના સામાન અને પ્રેમિકાને પામવાના સપના બતાવીને લલિતે ટુકડે ટુકડે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા. દર્શને જુદી જુદી લોન અને ક્રેડિટ કાર્ડ પર દેવું કર્યું હતું. આ દેવું ચૂકવવા દર્શન પાસે પૈસા નહોતા. તેમજ પ્રેમિકા પણ મળી નહોતી. જેથી મનમાં લાગી આવતા દર્શને આપઘાત કરી લીધો હતો.

અસલાલીમાં દર્શન કાછીયાના આપઘાત કેસમાં પોલીસે એક વર્ષ બાદ લલિત ગુપ્તા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. દર્શનની સુસાઇડ નોટ અને લલિતને ઓનલાઈન રૂપિયા ટ્રાન્જેક્શન કર્યા હોવાના પુરાવા પોલીસે જપ્ત કર્યા છે. આ ઉપરાંત લલિત ગુપ્તાએ 4 લાખ રૂપિયાનું શું કર્યું, કોને આપ્યા, આ તાંત્રિક વિધિ માટે કોઈ તાંત્રિક બાબાની સંડોવણી છે કે નહીં તે તમામ મુદ્દે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.