અમદાવાદમાં 5 હજારની ઉઘરાણીમાં રિક્ષાચાલકની હત્યા, 2 આરોપીની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ મણિનગરમાં 5 હજારની ઉઘરાણીમાં રિક્ષાચાલકની હત્યા કેસમાં પોલીસે બુટલેગર સહિત 2 આરોપીની કરી ધરપકડ કરી છે. હત્યાનો મુખ્ય સૂત્રધાર વ્યાજખોર હજુ ફરાર છે. પોલીસે હત્યા માટે ઉપયોગ લેવામાં આવેલી તલવારો કબજે કરી છે. જ્યારે રાજસ્થાનના ડુંગરપુરથી લોહીવાળા કપડાં પણ જપ્ત કર્યા છે. એક મહિલાનો કટાક્ષ હત્યાનું કારણ બન્યો છે.
અમદાવાદના મણિનગરમાં 5 હજારની ઉઘરાણીને લઈને લલિતભાઈ ગંગનાની હત્યા કેસમાં પોલીસે બુટલેગર કૈલાસ મુદલીયાર અને રાકેશ શર્મા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હત્યાનો મુખ્ય સૂત્રધાર વ્યાજખોર ભાવિક દવે હજુ ફરાર છે. આ ઘટનાની વાત કરીએ તો વટવામાં રહેતા 38 વર્ષીય લલિતભાઈ ગગનાની મિત્રો સાથે કાંકરિયાના ઝીરાફ સર્કલ નજીક ફૂટપાથ પર ઉભા હતા.
ત્યારે વ્યાજખોર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે, કૈલાસ તેમજ રાકેશ શર્મા કારમાં તલવાર અને છરી લઈને આવ્યા હતા અને ત્યારબાદ લલિતભાઈ સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ હત્યા પાછળ 5 હજારની ઉઘરાણી અને પત્નીના કટાક્ષ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. આરોપી ભાવિકની પત્ની આરતીએ મૃતક લલીત પાસે 5 હજારની ઉઘરાણી કરી હતી. ત્યારે લલીતે અશ્લીલ શબ્દો બોલ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈ ગયેલી આરતીએ પતિ ભાવિકને ફોન કરીને બદલો લેવાનો કટાક્ષ કર્યો હતો અને ધર્મના ભાઈ કૈલાસ મુદલીયારને પણ કોલ કરીને જણાવ્યું હતું. આ મહિલાના કટાક્ષથી ઉશ્કેરાઈ જઈને આરોપીએ લલીતની જાહેરમાં હત્યા કરી દીધી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક લલિતભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે આરોપી ભાવિક જય ભોલે ફાયનાન્સ નામથી વ્યાજનો ધંધો કરે છે. બંને વટવાના રહેવાસી છે. પત્નીએ બદલો લેવાની વાત કરતા આરોપી ભાવિક અને રાકેશ શર્માએ સંતરામપુરથી બે તલવાર ખરીદી હતી અને અમદાવાદમા આવીને કૈલાસને લઈને મૃતક લલીતની હત્યા કરવા ગાડીમા શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન મૃતક કાંકરીયા ઝિરાફ સર્કલ નજીક મળી આવતા તેની હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ ઓઢવ નજીક તલવાર ફેંકી દીધી હતી અને રાજેસ્થાન ડુંગરપુરા જઈને લોહીવાળા કપડા ફેંકી દીધા હતા. મણિનગર પોલીસે રાકેશ અને કૈલાસની ધરપકડ કરીને હત્યામા ઉપયોગ લેવામાં આવેલી તલવાર અને કપડાં કબ્જે કર્યા છે.
આ હત્યા કેસમાં મુખ્ય સુત્રધાર ભાવિક દવેનો ગુનાહિત ઈતિહાસ છે. અગાઉ તેની વિરૂદ્ધ 14થી વધુ ગુના નોંધાયા છે. મારામારી અને પોલીસ પર હુમલાને લઈને ગુના નોંધાયા છે. જ્યારે કૈલાસ મુદલીયાર વિરૂદ્ધ ખોખરામાં દારૂને લઈને અનેક ગુના નોંધાયા છે અને એક વખત પાસા કરવામાં આવી હતી. જ્યારે રાકેશ શર્મા વિરૂદ્ધ પણ બે ગુના નોંધાયા છે. આ હત્યા કેસમાં મદદગારીમાં કપિલ મિસ્ત્રી નામના વધુ એક આરોપીનું નામ ખુલ્યુ છે. જ્યારે આરોપી ભાવિકની પત્નીએ ઉશ્કેર્યા હોવાનું સામે આવતા તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.