November 27, 2024

આંદોલન કરનારા ખેલાડીઓ પર દેશદ્રોહનો કેસ થવો જોઈએ: WFI પ્રમુખ

WFI President Sanjay Singh on Vinesh Phogat And Bajrang Punia: 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી ડીસક્વોલિફાઇડ જાહેર કરાયેલ વિનેશ ફોગાટ અને ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સ્ટાર રેસલર બજરંગ પુનિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. હવે આના પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે દેશદ્રોહનો કેસ નોંધવા કહ્યું છે.

બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવા પર ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ સંજય સિંહે કહ્યું કે આંદોલનકારી ખેલાડીઓ પર દેશદ્રોહનો કેસ થવો જોઈએ. નોંધનીય છે કે વિનેશ ફોગાટ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જુલાના સીટથી કોંગ્રેસના ઉમેદવાર છે. કોંગ્રેસે બજરંગ પુનિયાને કિસાન મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે. તેઓ હાલ ચૂંટણી લડશે નહીં.

વિનેશને ફાઈનલ પહેલા ડીસક્વોલિફાઇડ ઠેરવવામાં આવી હતી
નોંધનીય છે કે, વિનેશ ફોગાટ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર હતી. જોકે ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેણીને ડીસક્વોલિફાઇડ ઠેરવવામાં આવી હતી. આ પછી વિનેશે CASમાં સિલ્વર મેડલની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તેનો કેસ ફગાવી દીધો હતો.

અગાઉ, WFIના વડા સંજય સિંહે કહ્યું હતું કે ભારતીય કુસ્તીબાજો પેરિસ ઓલિમ્પિક-2024માં પુરતા મેડલ ન જીતી શક્યા તેનું મુખ્ય કારણ કુસ્તીબાજોનો વિરોધ છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં છ સભ્યોની ટુકડી મોકલી હતી, પરંતુ માત્ર એક યુવા કુસ્તીબાજ અમન સેહરાવત, જે પ્રથમ વખત ઓલિમ્પિક સ્ટેજ પર હતા, તેમણે પુરુષોની 57 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગયા વર્ષે ડિસેમ્બરમાં ડબલ્યુએફઆઈના વડા તરીકેનો કાર્યભાર સંભાળનાર સંજય સિંહે કહ્યું હતું કે લગભગ એક વર્ષ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનને કારણે સર્જાયેલા તણાવને કારણે કુસ્તીબાજોને ઓલિમ્પિકની તૈયારી માટે પૂરતો સમય મળી શક્યો નથી. લગભગ 14-15 મહિના સુધી ચાલેલા વિરોધને કારણે ખેલાડીઓનું કુસ્તી તરફ ધ્યાન ખૂબ જ ઓછું હતું, જેના કારણે તેમની તૈયારી પણ ઘણી ઓછી હતી.