બોટાદના 27 કરાર આધારીત ખેલ સહાયકોને છૂટા કરી દેવાતા નારાજગી, DDOને આવેદનપત્ર પાઠવ્યું

બોટાદ: બોટાદ જિલ્લાના 27 કરાર આધારીત ખેલ સહાયકોને કોઈ પણ કારણ વગર છૂટા કરવામાં આવતા ખેલ સહાયકો નારાજ થયાં હતાં અને ખેલ સહાયકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગ કરી હતી.
બોટાદ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે મોટો વિવાદ સામે આવ્યો છે. જિલ્લામાં કરાર આધારિત 27 ખેલ સહાયકોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી નારાજ ખેલ સહાયકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ખેલ સહાયકોની નિમણૂક 11 મહિનાના કરાર આધારે કરવામાં આવી હતી, પરંતુ માત્ર 9 મહિનામાં જ તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે. ખેલ સહાયકોએ આરોપ લગાવ્યો છે કે શાળાના આચાર્ય અને અધિકારીઓ મનસ્વી રીતે તેમને પરેશાન કરી રહ્યા છે. એક તરફ ગુજરાત સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ જેવી મોટી સ્પર્ધાઓનું આયોજન કરે છે, બીજી તરફ ખેલ શિક્ષકોનું આવું શોષણ થઈ રહ્યું છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. ખેલ સહાયકોએ જણાવ્યું કે તેમની લેખિત રજૂઆત બાદ અધિકારીએ સાંજ સુધીમાં યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે.