રસાકસીભરી મેચમાં અફઘાનિસ્તાનની 8 રનથી જીત, ઈંગલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. ઇબ્રાહિમ ઝદરાન (177)ની શાનદાર સદી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ (41 રન અને 5 વિકેટ)ના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી અફઘાનિસ્તાને છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયનને ફક્ત 8 રનના માર્જિનથી હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
ફરી એકવાર ઇંગ્લેન્ડનું ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. સતત બે હાર સાથે જોસ બટલરની ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઉપરાંત 2023ના વર્લ્ડ કપ પછી અફઘાનિસ્તાને ફરીથી બીજી વખત ઇંગ્લેન્ડને હરાવ્યું છે.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બંને ટીમોની શરૂઆત ખરાબ રહી હતી અને પછી તેમણે બે બેટ્સમેનોની સદીઓથી વાપસી કરી હતી. સૌપ્રથમ યુવા ઓપનર ઇબ્રાહિમ ઝદરાને અફઘાનિસ્તાન માટે આ કામ કર્યું. ઝદરાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન માટે પહેલી સદી ફટકારી અને પછી ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 177 રન બનાવ્યા.
જવાબમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે જવાબદારી સંભાળી અને લગભગ 6 વર્ષની રાહ જોયા પછી ODI ક્રિકેટમાં સદી ફટકારીને ટીમને ફરીથી ફોર્મમાં લાવી. પણ અફઘાનિસ્તાન જીતી ગયું.