December 5, 2024

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળે દુર્ઘટના, કાટમાળમાં દબાતા 3 ના મોત

આણંદ: આણંદ જિલ્લાના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લોખંડના ગડર ઉપર વજનદાર પથ્થર મૂકી કામગીરી ચાલી રહી હતી તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર મજૂરો દટાયા હતા. જેમાંથી 3 લોકોના મોત થયા છે.

દુર્ઘટનામાં કાટમાળમાં દટાયેલાં કુલ 4 વ્યક્તિ માંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. કાટમાળમાં દટાયેલાં લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ હજુ આખી રાત કાટમાળ હટાવવાની કામગીરી કરશે.

મળતી માહિતી મુજબ, પિલરની વચ્ચે રાખવામાં આવેલા બ્લોક એકાએક તુટી પડતા કામ કરી રહેલા મજૂરો તેમા દટાઈ ગયા હતા. શરૂઆતમાં દટાયેલા બે મજૂરોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા એક મજૂરે દમ તોડી નાખ્યો હતો.