October 4, 2024

અબુ ધાબી હિંદુ મંદિરમાં દર્શન કરવા જતા ભક્તોને સ્વામીની ખાસ અપીલ

સ્વામીએ 1લી માર્ચથી મુલાકાતીઓને આવવા માટે અપીલ કરી છે.

અમદાવાદઃ અબુ ધાબીની ધરતી પર બનનારા પહેલા હિંદુ મંદિરનું 14મી તારીખે ઉદ્ઘાટન છે. ત્યારે 18મી ફેબ્રુઆરીએ તેને મુલાકાતીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશ-વિદેશના લોકો મંદિરની મુલાકાત લેવા માટે ઉત્સુક છે.

મંદિરની કોતરણીથી માંડીને કળા-કારીગરીને ધ્યાને રાખતા માત્ર UAE જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં દર્શને આવશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત મંદિરમાં ભક્તોની ભીડને કાબૂમાં રાખવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો ઓપ્શન પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.

મંદિરના વડાએ જણાવ્યુ હતુ કે, ‘14મી ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન છે. ત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન જેમણે કરાવ્યું છે. તે લોકો જ તેમાં હાજર રહી શકશે. બાકીના તમામ લોકોને 1 માર્ચ પછી મુલાકાત લેવા માટે અપીલ કરું છું.’

બ્રહ્મવિહારીદાસ સ્વામી જણાવે છે કે, ‘વિદેશી મુલાકાતીઓને આ મંદિરમાં ભારે રસ છે. સૌથી વધારે રજિસ્ટ્રેશન તેમણે જ કરાવ્યું છે. UAEના રહેવાસીઓએ ખાસ નોંધણી કરાવી નથી. તેથી તમામ લોકોને 1 તારીખ પછી મુલાકાત લઈ શકાય તેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવા અપીલ છે.’

જેમને મંદિરની મુલાકાત લેવી છે તેમણે સમર્પિત વેબસાઇટ અથવા ફેસ્ટિવલ ઓફ હાર્મની એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવી છે. તેઓ વધુમાં જણાવે છે કે, રજિસ્ટ્રેશન કર્યું હશે તે લોકો જ મુલાકાત લઈ શકશે. મંદિર બધા માટે ખુલ્લુ છે. પરંતુ માત્ર ભીડ ન થાય તે માટે 1 માર્ચ પછી આવવા અમારી વિનંતી છે.