December 4, 2024

આમ આદમી પાર્ટી ગુજરાતમાં શરૂ કરશે સદસ્યતા અભિયાન

અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ લોન્ચિંગ કર્યું છે. તેમણે જણાવ્યુ છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક ખૂણે જનતાનો સંપર્ક કરશે.

તેમણે જણાવ્યુ છે કે, ‘લોકોનો સંપર્ક કરી આપ પાર્ટી એમના પ્રશ્નોને વાચા આપશે. આખા ગુજરાતની જનતાને ‘આપ’માં જોડાવવા અને ગુજરાતને આગળ લઈ જવાનું આહ્વાન કર્યું છે. ગુજરાતની જનતા હવે પોતે પોતાનું ગુજરાત બનાવશે.’

ઇશુદાન ગઢવી વધુમાં કહે છે કે, ‘આમ આદમી પાર્ટી જનતાના આંગણે, જનતા બદલાવ લાવશે. ગુજરાત સત્તાધારી પક્ષે સદસ્યતા અભિયાનમાં લોકોને બળજબરીપૂર્વક, ડરાવી ધમકાવીને, રૂપિયા આપીને સદસ્ય બનાવ્યા છે. સત્તાધારી પક્ષે એમની તમામ હદો વટાવી છે.’

તેઓ કહે છે કે, ‘ગુજરાતની યોજનાના લાભાર્થીઓને એમની જાણ બહાર છેતરીને સદસ્ય બનાવા પડ્યા છે. ગુજરાતની જનતા સત્તાધારી પક્ષથી એ હદથી થાકી ગઈ છે એટલે વિકલ્પ તરીકે ‘આપ’ને પસંદ કરે છે. આવનાર સમયમાં ‘આપ’ સદસ્યતા અભિયાન, ગુજરાતમાં જનતા બદલાવ અભિયાન બનશે.’